અયોધ્યામાં બાબરી ધ્વંશ કેસનો લખનૌ ખાતેની CBIની વિશેષ અદાલત ચુકાદો 30 સપ્ટેમ્બરે આપશે. ન્યાયાધિશ એસ કે યાદવે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
આ કેસના મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપના દિગ્ગજ નેતાઓ મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાક્ષી મહારાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓનો સમાવેશ થાય છે.
અહેવાલો મુજબ એલ કે અડવાણી, ઉમા ભારતી, કલ્યાણસિંહ, મુરલી મનોહર જોશી, સતીષ પ્રધાન સહિતના રાજકીય નેતાઓ 30 સપ્ટેમ્બરે કોર્ટની કાર્યવાહીમાં હાજર ન રહે તેવી શક્યતા છે. લખનૌ હાઈકોર્ટના જૂના બિલ્ડિંગમા કોર્ટરૂમ નંબર 18માં આ કેસની સુનાવણી છેલ્લાં 28 વર્ષથી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ 2017ના રોજ આદેશ આપ્યો હતો કે આ કેસની રોજિંદા ધોરણે સુનાવણી કરવામાં આવે અને કેસના ન્યાયાધીશની ટ્રાન્સફર કરવામાં ન આવે.
6 ડિસેમ્બર 1992ના રોજ રામ મંદિર આંદોલન માટે ભેગા થયેલા ટોળા દ્વારા બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધરાશાયી થયા બાદ દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. પોલીસે બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ બે FIR નોંધી હતી. પ્રથમ FIR અજાણ્યા કારસેવકો વિરુદ્ધ હતી. આ કારસેવકોએ વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું. બીજી FIR આઠ લોકોની વિરુદ્ધ હતી. તેમાં અડવાણી, જોશી, ઉમા ભારતી અને વિનય કટિયાર સહિતના ભાજપનાં નેતાઓના નામ છે. આરોપી તરીકે વિહિપના અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા અને સાધ્વી ઋતંભરા હતાં.
CBIએ 5 ઓક્ટોબર 1993એ પહેલી ચાર્જશીટ દાખલ કરી. એમાં 40 લોકોને આરોપી બનાવાયા હતા. તેમાં ભાજપ-વિહિપના 8 નેતા સામેલ હતા. 2 વર્ષની તપાસ બાદ 10 જાન્યુઆરી 1996ના રોજ CBIએ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી. આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા માટે સુનિયોજિત કાવતરું ઘડાયું હતું.