દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને હવે 58 પ્રકારની સર્જિકલ પ્રોસિજરની તાલિમ લઈને તેની પ્રેક્ટિસ છૂટ આપી છે.. આયુર્વેદના ડૉક્ટરો હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે. સરકારે 19 નવેમ્બરે એક જાહેરનામું બહાર પાડીને આ પરવાનગી આપી હતી.
સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) નિયમ, 2016માં સુધારો કરીને આયુર્વેદનાા ડૉક્ટરોને 39 સામાન્ય સર્જરી અને આંખ, કાન, નાક અને ગળા સહિત 19 અન્ય સર્જરી કરવાની મંજૂરી આપી છે. જોકે, મોદી સરકારના આ નિર્ણય સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ વિરોધ નોંધાવ્યો છે અને આયુર્વેદના ડૉક્ટરોની સર્જરીને આધુનિક સર્જરી એટલે કે એલોપથી ડૉક્ટરોની સર્જરીથી અલગ રાખવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે.