રામ નવમીના પ્રસંગે અયોધ્યામાં રામમંદિરમાં વધુ ભક્તો દર્શનો કરી શકે તે માટે દર્શનનો સમય હાલના 14 કલાકથી વધારીને 20 કલાક કરવાની વિચારણા ચાલે છે. દરેક ભક્તને પ્રસાદ મળે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શન માટે સાત હરોળ ચાલુ કરવાની તથા ગરમીથી લોકોને રાહત આપવા માટે બિરલા ધર્મશાળાથી રામ મંદિર માર્ગ પર શેડ બનાવામાં આવશે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે રામ મંદિરમાં રામ નવમીની ઉજવણીનું જીવંત પ્રસારણ કરવા પ્રસાર ભારતી અયોધ્યા નગર નિગમની સીમાઓ પર LED સ્ક્રીન લગાવશે. શક્ય હશે તો પડોશના બજારોમાં પણ આવી સ્ક્રીન મૂકવામાં આવશે. પ્રસાર ભારતી ઓછામાં ઓછી 100 જગ્યાએ સ્ક્રીન મૂકશે.
લોકોને પોતપોતાના સ્થળોથી રામનવમીની ઉજવણી કરવા અને ટીવી પર અયોધ્યામાં ઉજવણી જોવાનો અનુરોધ કરતાં રાયે જણાવ્યું હતું કે રામ નવમીના દિવસે રામ મંદિરની મુલાકાત લેનારા લોકોની સંખ્યાનો અંદાજ બાંધવા મુશ્કેલ છે. મુલાકાતીઓની સંખ્યા લાખોમાં હોઈ શકે છે, તેથી અમે એક સાથે દર્શન માટે સાત હરોળ શરૂ કરવાનું નક્કી કર્યું છે. હાલમાં દર્શન માટે ચાર લાઇન હોય છે.
ટ્રસ્ટે અયોધ્યાના મણિરામ ચાવની ખાતેની બેઠક દરમિયાન આગામી 17 એપ્રિલે રામ નવમીની ઉજવણીની તૈયારીઓ તેમજ રામ મંદિરના ભાવિ નિર્માણ કાર્ય અંગે ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠકમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ નિપેન્દ્ર મિશ્રા, ખજાનચી ગોવિંદ દેવ ગીરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પહેલા માળે ‘રામ દરબાર’ના નિર્માણમાં પણ આગળ વધવાની ચર્ચા કરાઈ હતી.