આયોધ્યા ખાતે રામ જન્મ ભૂમિ પર થઇ રહેલા શ્રી રામ મંદિરના નિર્માણને બ્રિટન, યુરોપ, અમેરિકા અને આખાતી દેશોમાં વિશાળ ભક્ત સમુદાય ધરાવતા પ.પૂ. રામબાપાએ વધાવી લઇ આનંદ વ્યક્ત કર્યો હતો.
પૂ. રામબાપાએ જણાવ્યું હતું કે ‘’શ્રી રામ મંદિરનુ નિર્માણ અને તેનો પ્રસંગ ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવશે તેવો મારો વિશ્વાસ છે. હું રામ મંદિરના નિર્માણમા સમાચાર મળતા ખૂબ જ આનંદનો અનુભવ કરૂ છું અને હનુમાન દાદાને આ માટે જરૂર પ્રાર્થના કરીશ. હનુમાન દાદા આ કાર્યને પણ નિભાવી લેશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે.’’
પૂ. રામ બાપાએ જણાવ્યું હતું કે ‘’મને રામજન્મભૂમિ ન્યાસના વડા અને પીઠાધિશ્વર પૂ. નૃત્ય ગોપાલ દાસજી મહારાજ તરફથી રામ મંદિરના નિર્માણના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોવિડ અને મારી વયના કારણે ઉપસ્થિત રહી શક્યો નહતો. પૂ. નૃત્ય ગોપાલ દાસજી મહારાજ સાથે મારે ફોન પર વાત થઇ હતી.’’
પૂ. બાપાએ પૂ. નૃત્ય ગોપાલ દાસજી મહારાજને વંદન પાઠવતાં જણાવ્યું હતું કે ‘’અમે કુંભમેળામાં શિબીર-ભંડારો કરતા હતા ત્યારે અમારો પરિચય થયો હતો.’’ પૂ. બાપાએ 5 ઓગસ્ટનો આખો દિવસ ટીવી પર ભૂમિપૂજન નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.