ભારતની અગ્રણી ખાનગી બેન્ક એક્સિસ બેન્કે બુધવાર, પહેલી માર્ચે જણાવ્યું હતું કે તેને સિટી બેન્કના ઇન્ડિયા કન્ઝ્યુમર અને નોન-બેંકિંગ ફાઇનાન્સ બિઝનેસનું સંપાદન પૂર્ણ કર્યું છે. માર્ચ 2022માં જાહેર કરાયેલ આ સોદો ભારતીય નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં સૌથી મોટા સોદાઓમાંના એક છે. આ સોદો $1.41 બિલિયન (રૂ.11,630 કરોડ)માં કરાયો હતો. એક્વિઝિશનથી એક્સિસને ICICI બેન્ક અને HDFC બેન્ક જેવી મોટી હરીફ બેન્કો સાથેનું અંતર ઘટાડવામાં મદદ મળશે.
પહેલી માર્ચથી સિટી બેંકના હોમ એન્ડ પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને વીમા બિઝનેસ એક્સિસ બેંકના નિયંત્રણ હેઠળ આવી ગયા છે.
માર્ચ, 2022માં જાહેરાત થયા બાદ સંપાદનની પ્રક્રિયા પૂરી કરતાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો છે. થોડા દિવસો પહેલા સિટી બેંકે કોલકાતાના ચૌરંગી રોડ પરની તેની લેન્ડમાર્ક કનક બિલ્ડીંગ ઓફિસમાંથી તેનું સાઇનબોર્ડ ઉતારી દીધું હતું. સિટી બેંકે 1902માં ભારતમાં તેની કામગીરી શરૂ કરી હતી. 2021, સિટીગ્રુપે 13 આંતરરાષ્ટ્રીય કન્ઝ્યુમર બેંકિંગ બજારોમાંથી બહાર નીકળવાની તેની યોજનાઓની જાહેરાત કરી હતી.
એક્સિસ બેન્કે તેની વેબસાઇટ પર ગયા વર્ષે કહ્યું હતું કે ભારતમાં સિટી બેંકના 3 મિલિયન ગ્રાહકોથી તેની હાજરીમાં વધારો થશે. વેબસાઈટે એમ પણ જણાવ્યું હતું કે એક્સિસ બેંકની કાર્ડ બેલેન્સ શીટમાં વધારાના 2.5 મિલિયન સિટીબેંક કાર્ડના ઉમેરા સાથે 57 ટકાનો વધારો થશે.