પૂ. મોરારિબાપુ

રામ સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓનો ભંડાર છે. ‘રામચરિતમાનસ’માં રામ નવનિધિના પ્રતિક પણ માનવામાં આવ્યા છે. તો,એટલા માટે પણ અહીં નવનો અંક બતાવાયો છે. રામતત્વ નવે ગ્રહોમાં છે. ગ્રહોની ગણતરી આપણે નવ કરી છે. આ બધું જ આપણું ભારતીય ગણિત છે. જ્યાં રામ ન હોય એવો કોઈ ગ્રહ નથી. એક ગ્રહ છે,જે દશમો ગ્રહ છે અને એને વિદ્વાનોએ કહ્યું છે પૂર્વગ્રહ. જ્યાં કોઈ પ્રત્યે કોઈને પૂર્વગ્રહ હશે ત્યાં રામ ક્યારેય નહીં હોય. નવમાં અંકનો અર્થ થાય છે નિત્યનૂતનતા,નવ્યતા. રામ રોજ નવા છે. અરે સાહેબ,રામકથા રોજ નવી છે,તો રામ તો ક્ષણેક્ષણે નવા છે,એટલા માટે પણ પ્રભુએ નવનો અંક પસંદ કર્યો. દાદા કહેતા હતા કે બેટા,નવમીએ પ્રગટ થઈને ભગવાને ગર્ભિતસંકેત કર્યો છે કે,રામકથા નવ દિવસ જ કરવી,વધારે ન કરવી. હા,ક્યારેક ક્યારેક મેં પણ માસપારાયણ કરી છે,પરંતુ કથાનું જે નવાન્હ પારાયણ છે એ નવના અંકની જ ઉદ્દ્ઘોષણા કરે છે. એટલા માટે નૌમી તિથિ છે.

હવે આગળ,ભૌમવાર,મંગળવાર. પ્રભુ મંગળવારે પ્રગટ થયા. તુલસી એમને મંગલભવનના રૂપમાં ગાય છે, ‘मंगल भवन अमंगल हारी |’ એટલા માટે મંગલ પસંદ કર્યો. ‘રામચરિતમાનસ’માં ભગવાન રામને મંગલમૂર્તિ કહ્યા છે. રામ મંગલમૂર્તિ છે,એટલે મંગળવાર પસંદ થયો. એમનું નામ ‘मंगलानामनिधान’ છે. પ્રભુનું નામ સમસ્ત મંગલનો ખજાનો છે,એટલા માટે મંગળવાર પસંદ કર્યો. દાદાએ કહ્યું,બેટા,મંગળ ગ્રહ પૃથ્વીથી છૂટો પડ્યો છે. હવે,એ ક્યાં વિજ્ઞાન ભણ્યા હતા,સાહેબ! આજે પણ આપણે પૃથ્વીવાસીઓ મંગળમાં પર માણસ હશે એની શોધ કરી રહ્યા છીએ. તો,મંગલ ગ્રહ પૃથ્વીમાંથી નીકળ્યો છે. રામ પૃથ્વી પર અવતરિત થયા છે અને એક અર્થમાં રામ પણ પૃથ્વીમાંથી નીકળ્યા છે. તમે કહેશો કે એ કેવી રીતે? રામ અને સીતા લીલામાં બે તત્વતઃ એક જ છે. ‘कहिअत भिन्न न भिन्न |’

રામ અને સીતા અભિન્ન છે. સીતા જ રામ છે. તો,સીતારુપી રામ ક્યાંથી પ્રગટ્યા? રામ પૃથ્વીમાંથી પ્રગટ્યા છે. બંને અભિન્ન તત્વ હોવાને કારણે પ્રભુએ મંગળવારનો નિર્ણય કર્યો. મંગલ શુકનનું પ્રતીક છે. મને સમજાતું જ નથી કે લોકો આવું ક્યાંથી કાઢે છે કે,તમને મંગળ નડે છે! કોઈને મંગળ નડે એવું હું નથી માનતો. ગ્રહની વાત કરતાં કોઈ તમને મંગળ પરેશાન કરે છે,એવું કહે તો હું તમને બહુ વિનમ્ર વિનંતી કરું છું કે, ‘मंगल भवन अमंगल हारी |’ એ પંક્તિનો જપ કરો. તમારા મંગલની ઐસી તૈસી! અરે બાબા,અહીં મંગળ જ મંગળ છે. પ્રલોભનને કારણે અને ભયને કારણે આપણે એ કર્મજાળમાં ફસાતા જઈએ છીએ.

હવે,રામનો જન્મ અયોધ્યામાં જ કેમ,અવધમાં જ કેમ? દાદાએ એટલાં વર્ષો પહેલાં લખાવ્યું છે! ડોંગરેબાપા કહેતા હતા કે જ્યાં કોઈનો ક્યારેય પણ વધ નથી થતો તેનું નામ અવધ. જે ભૂમિ અહિંસક છે,જ્યાં મન-વચન-કર્મથી કોઈને પીડા નથી અપાતી,એવી ભૂમિમાં રામનો જન્મ છે. એ ભૂમિ નથી,ભૂમિકા છે. હરિનો અવતાર આવી અંતઃકરણની અવસ્થામાંથી થઈ શકે છે. એટલા માટે અવધમાં એનો જન્મ થયો. એ પ્રદેશમાં અનુગ્રહ અને ધર્મની નિરંતર વર્ષા થાય છે. એ ધર્મધુરંધરની નગરી છે,ત્યાં ધર્મનો દુકાળ નથી પડતો,ધર્મનાં સુત્રોનો દુકાળ નથી પડ્યો. એટલા માટે કદાચ પ્રભુએ અવધની પસંદગી કરી.

આ નવ દ્વારની નગરી છે,એટલા માટે શરીરરૂપી અયોધ્યાનાં નવ દ્વારમાં રામ પ્રગટ્યા. મધ્યદિવસ,મધ્યાહ્ન વર્તમાનનું પ્રતીક છે. ઉદય થઈ ચૂક્યો છે,અસ્ત થવાનો છે. મધ્ય,મધ્ય છે. એટલા માટે રામ સદૈવ વર્તમાન તત્વ છે. રામને ભજનારાનો પણ સૂરજ ચોવીસેય કલાક માથે ચડેલો જ હોય છે,સાહેબ! એ મધ્યદિવસ પ્રત્યે સંકેત કરવામાં આવ્યો હતો. મધ્યદિવસમાં રામનું જે ભજન કરશે એમને શીતોષ્ણ દુઃખોમાંથી મુક્તિ મળી જશે.

સંકલન : જયદેવ માંકડ
(માનસ-સત્ય,૨૦૧૨)

LEAVE A REPLY