પ્રતિષ્ઠિત વર્લ્ડ બેસ્ટ સ્કૂલ એવોર્ડ્ઝ 2024 માટે યુકેમાાંથી ટોચની 3 ફાઇનલિસ્ટ તરીકે નોર્થ વેસ્ટ લંડનના સ્ટેનમોરની હિન્દુ સ્ટેટ સ્કૂલ અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલને સપોર્ટિંગ હેલ્ધી લાઇવ્સ કેટેગરી માટે પસંદ કરવામાં આવી છે.
લંડનના મેયર સાદિક ખાને પ્રશંસા કરી શાળાને તેની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે “અદભૂત છે કે અવંતિ હાઉસને વિશ્વની શ્રેષ્ઠ શાળાના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે અને હું શિક્ષકો, માતાપિતા અને વિદ્યાર્થીઓને તેમની તમામ મહેનત માટે અભિનંદન આપવા માંગુ છું. શાળા તેના અભ્યાસક્રમમાં તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ટેકો આપે છે અને પ્રભાવશાળી પરિણામો પ્રાપ્ત કરે છે. રાજધાનીનું તે એક તેજસ્વી ઉદાહરણ છે.”
T4 એજ્યુકેશન, એક્સેન્ચર, અમેરિકન એક્સપ્રેસ અને લેમેન ફાઉન્ડેશન દ્વારા 2022માં લૉન્ચ કરાયેલા આ એવોર્ડ્ઝ વિશ્વભરમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓની સુખાકારીમાં નોંધપાત્ર યોગદાન આપતી શાળાઓને બહુમાન આપે છે. વિજેતા શાળાને $50,000નું ઇનામ ફંડ આપે છે અને તેની જાહેરાત પાછળથી ઓક્ટોબરમાં દુબઈમાં વર્લ્ડ સ્કૂલ સમિટમાં કરવામાં આવશે. જેમાં પ્રત્યેક વિજેતાને ઇનામ ફંડમાંથી $10,000 પ્રાપ્ત થશે.
અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ, સ્ટેટ હિંદુ શાળા છે જે તેના મૂલ્યો આધારિત અભિગમ માટે જાણીતી છે. તેના શૈક્ષણિક મોડેલમાં માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને એકીકૃત કરવામાં આવે છે.
પ્રિન્સિપાલ સાઇમન આર્નેલે કહ્યું હતું કે “અવંતિ વે અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓના માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે કેન્દ્રિય છે અને સ્ટાફ અને વિદ્યાર્થીઓ યોગ, માઇન્ડફુલનેસ, સ્ટુડન્ટ એન્ડ રીટ્રીટ્સ, સાંગા, જર્નલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. પ્રોગ્રેસ 8 સ્કોર સાથે તેને યુકેમાં ટોચના ક્રમે અને પ્રભાવશાળી 97.6% હાજરી ધરાવતી શાળામાં શાકાહારી ભોજન પીરસવામાં આવે છે.”
અવંતિ હાઉસ સાથે બ્રિસ્ટોલની E-ACT વેન્ચરર્સ એકેડમી અને માન્ચેસ્ટરની ગ્રેન્જ સ્કૂલ સાથે ફાઇનલિસ્ટ તરીકે નોમિનેટ કરાઇ છે.