ટોકિયો પેરાલિમ્પિક્સમાં ભારતની શુટર અવની લેખારાએ સોમવારે દેશ માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ એસએચ1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ ફાઈનલમાં 249.6 પોઈન્ટ મેળવ્યા હતો, જે પેરાલિમ્પિક્સ ગેમ્સના ઈતિહાસમાં નવો રેકોર્ડ છે.
પેરાલિમ્પિકમાં ભારતે મેળવેલો આ ચોથો મેડલ છે. ફાઈનલમાં અવનીએ ચીની મહિલા શૂટર ઝાંગને હાર આપી હતી. 248.9 પોઈન્ટ સાથે ચીનની મહિલા શૂટર બીજા ક્રમે રહી હતી અને સિલ્વર મેડલ જીત્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અવની લેખારાને શુભકામના આપી છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “અવની લખેરાએ અસાધારણ પફોર્મન્સ આપ્યું છે. અથાક મહેનત બાદ ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. શૂટિંગ પ્રત્યેના તમારા ઉદ્યમ અને પેશનના કારણે આ સિદ્ધિ મળી છે. ભારતીય સ્પોર્ટ્સ માટે આ નિઃશંકપણે ખાસ ક્ષણ છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.”
અવની લેખારા 11 વર્ષના હતા ત્યારે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. અકસ્માતમાં કરોડરજ્જુમાં ઈજા થતાં અવની લકવાગ્રસ્ત થયા હતા. રાજસ્થાનના જયપુરની રહેવાસી અવની મહિલાઓની 10 મીટર એર સ્ટેન્ડિંગ શૂટિંગ ઈવેન્ટમાં વિશ્વ રેન્કિંગમાં પાંચમા સ્થાને છે.