એન્ટિબોડીઝના સ્તરમાં બૂસ્ટર વેક્સીન વધારો કરે છે તેવા અભ્યાસ બાદ લાખો પુખ્ત વયના લોકોને આ ઑટમમાં ચોથી કોવિડ બૂસ્ટર રસી ઓફર કરવામાં આવી શકે છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનની આગેવાની હેઠળના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચોથો ડોઝ ત્રીજા ડોઝ દ્વારા પ્રદાન કરાયેલ કોવિડ-19 સામે “ઉંચુ અને તેનાથી આગળનું” રક્ષણ વધારે છે.
એક અભ્યાસમાં 61 વર્ષની સરેરાશ વય ધરાવતા 166 લોકોને ત્રીજી જૅબ મળ્યાના સાત મહિના પછી ફાઈઝરનો સંપૂર્ણ ડોઝ અથવા મોડર્નાનો અડધો ડોઝ તેમને બુસ્ટર તરીકે આપવામાં આવ્યો હતો. બે અઠવાડિયા પછી તેમના શરીરમાં 12થી 16 ગણા વધુ એન્ટિબોડીઝ જણાયા હતા અને ત્રીજા ડોઝ પછી એક મહિનામાં તે ક્ષમતા બમણી થઇ હતી.
ચોથો ડોઝ સેલ્યુલર રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે, જે રોગપ્રતિકારક તંત્રનો એક ભાગ છે અને તે નવા પ્રકારો સામે લડવામાં શ્રેષ્ઠ છે. ચેપગ્રસ્ત કોષોને મારી નાખતા ટી-સેલ્સમાં ચોથા ડોઝ પછી એક જ પખવાડિયામાં સાત ગણો વધારો થયો છે અને ત્રીજા ડોઝ પછી તે ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના વિશ્લેષણ મુજબ ત્રીજા ડોઝથી રોગ સામેનું રક્ષણ બે થી ત્રણ મહિના પછી ઓછું થવાનું શરૂ થાય છે. ઈંગ્લેન્ડમાં ત્રણ મિલિયન સંવેદનશીલ દર્દીઓએ અત્યાર સુધીમાં સ્પ્રિંગ બૂસ્ટર જૅબ મેળવ્યા છે. હવે ઑટમમાં NHS 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પાંચમો ડોઝ આપવા માંગે છે. ચોથો ડોઝ મેળવવા માટેનો માપદંડ ફ્લૂ જબ જેવો જ હોવાની ધારણા છે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે “એક બૂસ્ટર ડોઝ તમને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે.”