પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ કામચલાઉ અંતિમ નિયમ (TFR)ની જાહેરાત કરી હતી. આ નિયમ હેઠળ કેટલાંક એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ (EADs) માટે ઓટોમેટિક એક્સ્ટેંશન પીરિયડને 180 દિવસથી વધારીને 540 દિવસ કરાયો છે. આનો અર્થ એવો થાય છે કે વર્ક પરમિટ પૂરી થઈ હશે અને તેને રિન્યૂ કરવા માટે અરજી કરી હશે તો 540 દિવસ સુધી અમેરિકામાં રહેવાનો અને નોકરી ચાલુ રાખવાનો હક મળશે.

આ નિર્ણય છેલ્લા વર્ષમાં USCIS ના આધુનિકીકરણના પ્રયાસો પર આધારિત છે. અગાઉ EAD પ્રોસેસિંગના સમયમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. નીતિ પરિવર્તન ખાસ કરીને ભારતીયો સહિતના દક્ષિણ એશિયનો અને અન્ય ઇમિગ્રન્ટ્સ માટે ફાયદાકારક છે

ઓટોમેટિક એક્સ્ટેંશનને કારણે વર્ક પરમિટ ધરાવતા ઇમિગ્રન્ટના એમ્પ્લાયમેન્ટ સ્ટેટેસમાં વિક્ષેપ પડશે નહીં અને તેઓ અમેરિકાની કંપનીમાં નોકરી ચાલુ રાખી શકશે.  વ્હાઇટ હાઉસ એશિયન-અમેરિકન એન્ડ નેટિવ હવાઇયન પેસિફિક આઇલેન્ડર (AANHPI) કમિશનના પ્રમુખ બાઇડનના સલાહકાર અજય ભુટોરિયાની ભલામણના આધારે નીતિમાં આ ફેરફાર કરાયો છે.

ભુટોરિયા ઈમિગ્રેશન સુધારાના અગ્રણી હિમાયતી રહ્યા છે અને 10 લાખથી વધુ દક્ષિણ એશિયનોને અસર કરતા ગ્રીન કાર્ડના બેકલોગને ઘટાડવાના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના પ્રયાસોને કારણે વિદેશ મંત્રાલયે H1B વિઝાના ડોમેસ્ટિક રિન્યુઅલનો પાયલોટ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. તેનાથી એવનબી વિઝા પર અમેરિકામાં રહેલા ઇમિગ્રન્ટે વિઝા રિન્યૂ કરાવવા માટે પોતાના વતન દેશમાં પરત આવવું પડતું નથી.

યુએસસીઆઈએસના ડાયરેક્ટર ઉર એમ જદ્દૂએ જણાવ્યું હતું કે “ઓટોમેટિક એક્સ્ટેંશન પીરિયડને લંબાવીને 540 દિવસ કરવાથી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન લેપ્સ થશે નહીં. આ નિર્ણય કામચચાઉ છે અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS) લાંબા ગાળાની વ્યૂહરચનાઓની ચકાસણી કરી રહ્યું છે.

આ એક્સ્ટેંશનથી મુખ્યત્વે શરણાર્થીઓ અને કાયમી નિવાસ માટે અરજી કરતા વિદેશી નાગરિકોને લાભ થશે. નવા નિયમથી નોકરી અને  વર્ક પરમિટ ગુમાવવાના જોખમમાં રહેલા આશરે આઠ લાખ ઇમિગ્રન્ટ્સને રાહત મળશે.

LEAVE A REPLY