ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશિઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ ગયા સપ્તાહે પુરી થઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દિવસે અંતિમ સેશનમાં 4.4 ઓવર્સ બાકી હતી ત્યારે બે વિકેટે અણધાર્યો વિજય હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે અણનમ 44 રન કર્યા હતા અને વિજયમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.
છેલ્લા દિવસે વરસાદ નડતા પહેલા સેશનની રમત ધોવાઈ ગઈ હતી. પહેલા બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગ 8 વિકેટે 393 રને ડીકલેર કરી હતી. જો રૂટે અણનમ 118, બેરસ્ટોએ 78 અને ઝેક ક્રોલીએ 61 રન કર્યા હતા, તો નાથન લીયોને ચાર અને હેઝલવુડે બે વિકેટ લીધી હતી.
જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 386 રન કરતાં ઈંગ્લેન્ડને ફક્ત નામની, 7 રનની સરસાઈ મળી હતી. ઉસ્માન ખ્વાજાએ 141, એલેક્ષ કેરીએ 66 અને ટ્રેવિસ હેડે 50 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી બ્રોડ અને રોબિન્સને 3-3 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 273 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, અને એકપણ બેટ્સમેન અડદી સદી કરી શક્યો નહોતો. જો કે, જો રૂટ અને હેરી બ્રૂકે 46-46 તથા સુકાની બેન સ્ટોક્સે 43 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી લીયોન અને કમિન્સે 4-4 વિકેટ લીધી હતી. આ રીતે, ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ઈનિંગમાં 281 રનનો ટાર્ગેટ આવ્યો હતો. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 107 રન કર્યા હતા અને છેલ્લા દિવસે તેણે વિજય માટે 174 રન કરવાના હતા. ઓસ્ટ્રેલિયાએ એલેક્ષ કેરીની 8મી વિકેટ 227 રનના સ્કોરે ગુમાવી ત્યારે તેનો વિજયનો ટાર્ગેટ હજી 54 રન દૂર હતો અને 15 ઓવરથી વધુની રમત બાકી હતી ત્યારે ઈંગ્લેન્ડને વિજય હાથવેંતમાં લાગતો હતો, પણ કમિન્સ અને લીયોને તેનું સપનું રોળી નાખી 12 ઓવરમાં વિજયની મંઝિલે ટીમને પહોંચાડી દીધી હતી.
પહેલી ઈનિંગની સદી અને બીજી ઈનિંગમાં પણ 65 રનના સર્વોચ્ચ સ્કોર બદલ ઉસ્માન ખ્વાજાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.