ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમના સૌથી મોટા શહેર મેલબોર્નમાં રાજ્યના પ્રિમિયર ડેનિયલ એન્ડ્રુઝે મંગળવારે જાહેરાત કરી હતી કે બુધવાર (8 જુલાઈ) મધ્યરાત્રીથી શહેરમાં છ સપ્તાહ માટે ફરી સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોરોનાવાઈરસના ચેપના પ્રમાણમાં મોટો ઉછાળો આવતાં આ પગલું લેવાયું છે. આ લોકડાઉનથી શહેરના 50 લાખથી વધુ (પાંચ મિલિયન) નાગરિકોને અસર થશે.
શહેરમાં 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયાના પગલે આ નિર્ણય લેવાયો હતો. લોકડાઉનમાં મોટાભાગની સ્કૂલ્સ બંધ થશે, વિદ્યાર્થીઓને રીમોટ લર્નિંગનો સહારો લેવો પડશે, તો રેસ્ટોરેન્ટ્સ અને કાફેમાં ગ્રાહકોને ફક્ત ટેક-અવેની સેવાઓ મળશે. સમગ્ર વિક્ટોરીઆ રાજ્યની સરહદો પણ સીલ કરી દેવામાં આવી રહી છે, તેનો દેશના અન્ય વિસ્તારો સાથે પ્રત્યક્ષ સંપર્ક કાપી નખાશે. પોલીસ અને સેનાના જવાનો બોર્ડર ક્રોસિંગ પોઈન્ટ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં અત્યારસુધીમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા 9,000 જેટલી અને ફક્ત 106ના મૃત્યુ થયા છે. છેલ્લા થોડા સમયથી દેશમાં નવા કેસ ફક્ત મેલબોર્ન શહેરમાં જ નોંધાયા છે, તે સિવાયના બાકીના વિસ્તારોમાં નિયંત્રણો હળવા કરાયેલા છે.