ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વેચાતા અખબાર, ‘ધી ઓસ્ટ્રેલિયન’માં શુક્રવારે પ્રકાશિત કરાયેલા કાર્ટૂનમાં અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનને પોતાના રનિંગ મેટ – ઉપરાષ્ટ્રપતિપદના ઈન્ડિયન અમેરિકન ઉમેદવાર કમલા હેરિસને ‘લિટલ બ્રાઉન ગર્લ’ તરીકે સંબોધતા દર્શાવાયા છે અને તે બદલ લોકોએ અખબારને રેસિસ્ટ ગણાવી વખોડી કાઢ્યું છે.
રૂપર્ટ મર્ડોકની માલિકીના અખબારમાં કાર્ટૂનિસ્ટ જોહાનેસ લીકના કાર્ટૂનમાં ચહેરા ઉપર સ્મિત અને ચમક સાથે જો બિડેનને એવું કહેતા રજૂ કરાયા છે કે, કોઈપણ મોટા ગજાની નેશનલ પાર્ટીની ટિકિટ ઉપર વાઈસ પ્રેસિડેન્ટપદની ચૂંટણી લડનારા સૌપ્રથમ બ્લેક મહિલા, કમલા હેરિસની ઉમેદવારીથી ‘રેસિઝમના કારણે વિભાજિત દેશના જખમો રૂઝાવા’માં મદદ મળશે.
ઓસ્ટ્રેલિયાના વિરોધ પક્ષ લેબર પાર્ટીના નેતા અને શેડો કેબિનેટ મિનિસ્ટર એન્ડ્રુ ગાઈલ્સે એક ટ્વીટમાં આ કાર્ટૂનને ‘અપમાનજનક અને રેસિસ્ટ’ ગણાવ્યું હતું. તો ભૂતપૂર્વ એટર્ની જનરલ માર્ક ડ્રેફસે એવી માંગણી કરી હતી કે, અખબારને સૌમ્યતા તેમજ ધોરણો પ્રત્યે કોઈ આદર હોય તો તેણે તાત્કાલિક માફી માંગવી જોઈએ અને આવા કાર્ટૂન ભવિષ્યમાં ક્યારેય પ્રકાશિક કરવા જોઈએ નહીં.
જો કે, અખબારના મુખ્ય તંત્રી – એડિટર ઈન ચીફ ક્રિસ્ટોફર ડોરે કાર્ટૂનનો બચાવ કરતાં કહ્યું હતું કે, લીકે (કાર્ટૂનિસ્ટ) તો બિડેનના જ શબ્દોની હાંસી ઉડાવી છે. લિટલ બ્લેક એન્ડ બ્રાઉન ગર્લ્સ શબ્દો બિડેનના પોતાના હતા, લીકના નહીં. ડોરેના કહેવા મુજબ કાર્ટૂનિસ્ટે કરેલી ટીપ્પણીનો ઈરાદો આઈડેન્ટિટી પોલિટિક્સની હાંસી ઉડાવવાનો, રેસિઝમને ઉતારી પાડવાનો હતો, રેસિઝમને સમર્થનનો નહીં. કાર્ટૂનિસ્ટે કોમેન્ટ માટેની ઈમેઈલથી કરાયેલી વિનંતીનો તત્કાળ તો કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. ધી ઓસ્ટ્રેલિયન અખબાર તેના રૂઢીચૂસ્ત અભિગમ માટે પંકાયેલું છે.