(Photo by Lee Warren/Gallo Images/Getty Images)

ઓસ્ટ્રેલિયામાં ગયા સપ્તાહે પુરા થયેલા અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતને હરાવી યજમાન ટીમ ચેમ્પિયન બની હતી. પહેલા બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 253 રન કર્યા હતા, તેના જવાબમાં ભારતીય ખેલાડીઓ ફક્ત 174 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

બેનોનીમાં રમાયેલી ફાઈનલમાં ટોસ જીતી ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા બેટિંગ લેવાનું પસંદ કર્યું હતુ. તેના મિડલ ઓર્ડર બેટર હરજાસ સિંઘે સૌથી વધુ – 64 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 55 રન કર્યા હતા. તે ઉપરાંત સુકાની હ્યુ વેઈબેને 48, ઓલિવર પીકે અણનમ 46 અને હેરી ડિક્સને 42 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ભારત તરફથી રાજ લિંબાણીએ 10 ઓવરમાં 38 રન આપી ત્રણ વિકેટ લીધી હતી, તો નમન તિવારીએ બે વિકેટ લીધી હતી.

તેના જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં ફક્ત 174 રન સુધી પહોંચી શકી હતી. ઓપનર આદર્શ સિંઘે 47 અને મુરૂગન અભિષેકે 42 રન કર્યા હતા, તે સિવાય મુશિર ખાન અને નમન તિવારી જ બે આંકડાના સ્કોરે પહોંચી શક્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માહલી બીઅર્ડમેન અને રાફ મેકમિલને 3-3 વિકેટ લીધી હતી.

બીઅર્ડમેનને તેની 7 ઓવરમાં બે મેઈડન અને ફક્ત 15 રનમાં 3 વિકેટની વેધક બોલિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

આ અગાઉ જો કે, અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો બે વાર મુકાબલો થયો હતો અને બન્ને વખત ભારત વિજેતા રહ્યું હતું, પણ રવિવારે ઓસ્ટ્રેલિયન કિશોરોએ તે પ્રવાહ પલટાવી નાખ્યો હતો.

ભારત પાંચ વખત અંડર 19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન રહી ચૂક્યું છે, તો આ વર્ષ સહિત ત્રણવાર રનર્સ અપ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ચાર વખત ચેમ્પિયન રહ્યું છે, તો પાકિસ્તાન બે વખત અને ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા તથા બાંગ્લાદેશ એક-એક વાર ચેમ્પિયન બન્યા હતા.

 

LEAVE A REPLY