ઓસ્ટ્રેલિયાએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને ઓછા-કુશળ કામદારો માટે વિઝા નિયમોને કડક બનાવાની સોમવારે જાહેરાત કરી હતી. આગામી બે વર્ષમાં તેના માઇગ્રન્ટની સંખ્યા અડધી કરવા માટે સરકાર “બ્રોકન” માઇગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી સુધારા કરશે.

નવી નીતિઓ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અંગ્રેજીની પરીક્ષામાં ઉચ્ચ રેટિંગ મેળવવાની જરૂર પડશે અને વિદ્યાર્થીની બીજી વિઝા અરજી પર વધુ તપાસ થશે જે તેમના રોકાણને લંબાવે છે. ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓ’નીલે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે અમારી વ્યૂહરચના માઇગ્રન્ટની સંખ્યાઓને સામાન્ય સ્થિતિમાં લાવવાની છે. સરકારના સુધારાઓથી પહેલાથી જ ચોખ્ખા વિદેશી માઇગ્રેશન પર દબાણ આવ્યું છે અનેતેમાં વધુ ઘટાડો થશે.

ઓસ્ટ્રેલિયામાં 2022-23માં ચોખ્ખું માઇગ્રેશન આશરે 510,000ના વિક્રમજનક સ્તરે રહેવાની ધારણા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને કારણે તેમાં મોટો વધારો થઈ રહ્યો છે. વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓના અચાનક ધસારાને કારણે દેશમાં ઘરવિહોણા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને તેનાથી ઘરના ભાડામાં પણ વધારો થયો છે.

મોટાપ્રમાણમાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જતા હોય છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્ટેટિસ્ટાના અહેવાલો મુજબ જુલાઈ-2023 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 1,18,869 ભારતીય વિદ્યાર્થીઓ હતા. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રાલયની વેબસાઈટ મુજબ જૂન-2021 સુધીમાં 7,10,380 ભારતીય મૂળના લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે, જ્યારે જૂન-2011માં આ આંકડો 3,37,120 હતો. બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. અગાઉ કેનેડા અને બ્રિટને પણ વિઝા નિયમોને કડક બનાવ્યા હતા.

 

 

LEAVE A REPLY