ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવારે ચીનના વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના મુદ્દે હોંગકોંગ સાથેની પ્રત્યાર્પણ સંધિ રદ્ કરવાની જાહેરાત કરી છે. જોકે, ચીને આ બાબતને પોતાનો અંગત મામલો ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ સાથે જ હોંગકોંગના દસ હજાર વિદ્યાર્થીઓ અને અસ્થાયી કુશળ કામદારોને પાંચ વર્ષના વીસા આપવાની ઓફર કરી છે, જેથી તેઓ ત્યાં નવું જીવન શરૂ કરી શકે. હોંગકોંગમાં નવો કાયદો લાગુ કરાયો એ પછી ઓસ્ટ્રેલિયાએ આ પગલું ભર્યું છે.
મોરિસને જણાવ્યું છે કે, ચીને હોંગકોંગમાં લાગુ કરેલો નવો કાયદો વિશ્વભરના ઘણા દેશો માટે પરિસ્થિતિમાં મૂળભૂત પરિવર્તન દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અમારા વિચાર મુજબ નવો કાયદો એક દેશ, બે વ્યવસ્થાની રૂપરેખા અને હોંગકોંગના પોતાના પાયાના કાયદા તેમ જ ચીન-બ્રિટિશ સંયુક્ત કરારમાં સામેલ સ્વતંત્રતાને નજરઅંદાજ કરે છે. ઇમિગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયાની શક્તિનો એક સ્તંભ છે અને તે વિશ્વભરના આવા લોકોનું સ્વાગત કરનારો દેશ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સરકાર હોંગકોંગ સ્થિત બિઝનેસ અહીં શરૂ કરનારા લોકોનું સ્વાગત કરશે. જો કે, આ મામલે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ચીની એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે ઓસ્ટ્રેલિયાને આગ્રહ કરીએ છીએ કે, તેઓ હોંગકોંગ અને ચીનની આંતરિક બાબતોમાં કોઇપણ પ્રકારની દખલ કરવાનું તાત્કાલિક બંધ કરે.