ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ વેપાર, રોકાણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આગામી મહિનાની શરૂઆતમાં ભારતની તેમની પ્રથમ યાત્રા માટે સજ્જ બન્યાં છે.
આ મુલાકાતની યોજનાથી પરિચિત લોકોએ સોમવારે જણાવ્યું હતું કે આલ્બેનીઝ 8 માર્ચની આસપાસ મુલાકાત શરૂ કરે તેવી ધારણા છે તથા તેઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના જોવા માટે અમદાવાદ જાય તેવી શક્યતા છે. ચોથી ટેસ્ટ 9 થી 13 માર્ચ દરમિયાન અમદાવાદ ખાતે રમાવાની છે.
ગયા વર્ષે મે મહિનામાં વડાપ્રધાન બન્યા બાદ આલ્બેનીઝની આ પ્રથમ ભારત મુલાકાત હશે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનની ભારત મુલાકાતની તૈયારી માટે વિદેશ પ્રધાન એસ જયશંકર ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા હતા.
આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આલ્બેનીઝ શનિવારે જયશંકરને મળ્યા બાદ એક ટ્વિટમાં તેમની ભારત મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે “આગામી મહિને મારા ભારત પ્રવાસ પહેલા જયશંકર સાથેની મુલાકાત અદભૂત રહી. અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારી, આર્થિક તકો અને લોકો વચ્ચેના સંબંધોની ચર્ચા કરી હતી.” સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ચીનની દાદાગીરીમાં વધારો થઈ રહ્યો છે. તેથી ભારતની મુલાકાત દરમિયાન આ મુદ્દાની ચર્ચા થવાની ધારણા છે.