ઑસ્ટ્રેલિયામાં જાન્યુઆરી અને જૂન વચ્ચે ફલૂથી ફક્ત 36 લોકોનાં મોત થયાં હતાં, જે ગયા વર્ષે તે જ સમયગાળામાં થયેલા 430 મરણ કરતા ખૂબ જ ઓછા છે. સાઉધર્ન હેમીસ્ફીયરમાં ફ્લૂના આશ્ચર્યજનક પ્રમાણમાં થયેલા ઘટાડા પાછળ નોંધપાત્ર પ્રમાણમાં કરાયેલ સામાજિક અંતર જવાબદાર છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ શિયાળામાં યુકે માટે આ એક સારો સંકેત હોઈ શકે છે.
ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસો વધી જાય તો એનએચએસ હોસ્પિટલો ભરાઇ જશે તેવી આશંકાને પગલે સરકારે આ વર્ષે ફલૂના રસીકરણ કાર્યક્રમના મોટા વિસ્તરણની જાહેરાત કરી છે. સાઉધર્ન હેમીસ્ફીયરમાં શિયાળા દરમિયાન હળવા ફલૂની મોસમ હતી તેમ લાગે છે. ગયા વર્ષના 20,949 ચેપની સરખામણીએ આ વર્ષે ચિલીમાં ફક્ત 1,134 મોસમી શ્વસન ચેપના કેસો નોંધાયા છે.
ઇસ્ટ એંગ્લિઆ યુનિવર્સિટીના હેલ્થ પ્રોટેક્શનના પ્રોફેસર પૉલ હન્ટરએ જણાવ્યું હતું તે “ઈન્ફલ્યુએન્ઝા, અન્ય માનવ કોરોનાવાયરસ, નોરોવાયરસ અને ડ્રોપલેટ્સથી ફેલાતા અન્ય ચેપ પણ કોવિડ-19ની જેમ જ ફેલાય છે. તેથી સામાજિક અંતરની અસર પણ કોવિડ-19 જેટલી જ પડશે.”
આ વર્ષે યુકેમાં 50 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિને, નબળુ આરોગ્ય ધરાવતા લોકો અને યર 7 સુધી ભણતા બાળકોને ફ્લૂની રસી આપવામાં આવશે.