ઓસ્ટ્રેલિયામાં સિડની નજીક બ્લુ માઉન્ટેનમાં તા. 4ના રોજ ભૂસ્ખલનને કારણે બ્રિટિશ પરિવારના 49 વર્ષના પિતા અને નવ વર્ષના પુત્રના મોત થયા હતા. જ્યારે 50 વર્ષની મહિલા અને તેના 14 વર્ષના પુત્રને માથા અને પેટમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેણીની 15 વર્ષની પુત્રીને આઘાતની સારવાર આપવામાં આવી હતી.
રજાઓ દરમિયાન આ પરિવાર બુશવૉકિંગ કરી રહ્યો હતો ત્યારે ભૂસ્ખલન થયું હતું. સત્તાવાળાઓએ મૃતદેહોને મેળવવા માટે મંગળવાર સુધી રાહ જોવી પડી હતી. ભોગ બનેલ પરિવાર યુકેમાં ક્યાં રહે છે તે વિગતો આ તબક્કે જાહેર કરવામાં આવી નથી.
ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે “ઓસ્ટ્રેલિયામાં બનેલી ઘટના બાદ એક બ્રિટિશ દંપતીના પરિવાર અને તેમના બાળકોને કોન્સ્યુલર સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે.” ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાના મોટા ભાગના વિસ્તારોની જેમ, બ્લુ માઉન્ટેન્સ પણ અઠવાડિયાથી ભારે વરસાદથી લપેટાઈ ગયો છે.