પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઓસ્ટ્રેલિયાએ વિદેશી શ્રીમંત રોકાણકારોને દેશમાં રહેવાનો અધિકાર પૂરો પાડતા એક મોટા વિઝા પ્રોગ્રામને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોગ્રામને રદ કર્યા પછી ઓસ્ટ્રેલિયન સરકાર તેના બદલે કુશળ કામદારોને વધુ વિઝા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેઓ ‘ઓસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં યોગદાન આપવા માટે સક્ષમ છે.

બીબીસીના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયન સરકારને જાણવા મળ્યું કે આ વિઝા પ્રોગ્રામથી ઇચ્છિત આર્થિક પરિણામો મળ્યા નથી. તેથી ‘ગોલ્ડન વિઝા’ તરીકે ઓળખાતી યોજનાને અટકાવવામાં આવી હતી. 2012માં રજૂ કરાયેલ ‘ગોલ્ડન વિઝા’ સ્કીમ હાઇ નેટ વર્થ વ્યક્તિઓ (HNIs)ને ઓસ્ટ્રેલિયામાં કાયમી રહેઠાણ મેળવવાનો માર્ગ ઓફર કરે છે.

ઓસ્ટ્રેલિયામાં જે લોકો 50 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 33 લાખ અમેરિકન ડોલર ઈન્વેસ્ટ કરે તેમને ગોલ્ડન વિઝા મળતાં હતા. પરંતુ હવે ઈમિગ્રેશનના નિયમોમાં સુધારા થઈ રહ્યા છે.

ઘણા લોકોએ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વિઝાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં ટેલેન્ટેડ લોકોને એન્ટ્રી મેળવવામાં મુશ્કેલી પડે છે જ્યારે ધનાઢ્ય લોકો સહેલાઈથી આવી જાય છે અને તેઓ દેશને કોઈ ફાયદો પણ નથી કરાવતા. આ ઉપરાંત વિદેશીઓ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વિઝા માટે જે ફંડ ઈન્વેસ્ટ કરે છે તે મોટા ભાગે રિયલ એસ્ટેટ અથવા ફાઈનાન્શિયલ એસેટમાં રોકવામાં આવે છે જેનાથી ઈકોનોમીને ડાયરેક્ટ ફાયદો નથી થતો.

ઓસ્ટ્રેલિયન હોમ મિનિસ્ટર ક્લેર ઓ નિલે જણાવ્યું કે આટલા વર્ષોથી અમે જે વિઝા આપતા હતા તેનાથી દેશને કોઈ ફાયદો થતો ન હતો. હવે નવી માઈગ્રેશન સિસ્ટમની જરૂર છે.

ચાલુ વર્ષમાં જૂન 2023 સુધી ઓસ્ટ્રેલિયામાં માઈગ્રેશનનું પ્રમાણ બહુ ઊંચું રહ્યું હતું. છેલ્લા 12 મહિનાના ગાળામાં લગભગ પાંચ લાખથી વધારે લોકોએ ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ માત્ર ધનિકોને વિઝા આપવાની કેટેગરી બંધ કરી છે.

 

LEAVE A REPLY