REUTERS

ગયા ઓક્ટોબર મહિનાથી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ ફાટી નીકળી છે અને એના કારણે ૩૪,૦૦૦ વર્ગ કિલોમીટરની જમીન બરબાદ થઈ છે. આશરે ૧,૦૦૦ મકાન આગમાં સ્વાહા થયાં છે અને 30,000 જેટલાં લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આપી છે. વિક્ટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંત અને ઈસ્ટ ગિપ્સલેન્ડમાં દરિયા કિનારાના શહેરોની પાસે આવેલા જંગલોમાં ભયાનક આગ લાગી છે અને એના કારણે લોકોને ભારે હાલાકી થઈ છે. આશરે ૪૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચંુ તાપમાન અને ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનોના કારણે આગ વધુ ફેલાઈ રહી છે. આગમાં આશરે ૪,૦૦૦થી વધારે ટૂરિસ્ટો અને સ્થાનિક રહેવાસીઓ ફસાઈ ગયાં છે. વિક્ટોરિયા પ્રાંતના મલ્લાકૂટા શહેરમાં ૪,૦૦૦ લોકો આગમાં ફસાયા છે અને એમને બચાવી લેવા માટે આર્મી અને નેવીની મદદ લેવાઈ રહી છે. મંગળવાર સવાર સુધીમાં વિક્ટોરિયામાં ૮ અને ન્યૂ સાઉથ વેલ્સમાં ૮ સ્થળે આગ લાગી છે અને ઈસ્ટ ગિપ્સલેન્ડ આખું આગની ચપેટમાં આવી ગયું છે. ગત ૨૪ કલાકમાં ન્યૂ સાઉથ વેલ્સના કોબાર્ગો શહેરમાં પિતા-પુત્રનું મૃત્યુ થયું છે. નારુમાના બેલોવરામાં એક સિનિયર સિટિઝનનું મૃત્યુ થયું છે. આગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૧૫થી વધારે થઈ છે. સોમવારે આગ બુઝાવવાની કામગીરી કરી રહેલું ફાયર એન્જિન આગની ચપેટમાં આવતાં ફાયરમેન મૃત્યુ પામ્યો હતો. ૧૦ ટનની ટ્રક આગની જ્વાળામાં આવી ગઈ હતી. વિક્ટોરિયાના ઈમર્જન્સી કમિશનરે કહ્યું હતું કે ૪૩ સ્ટ્રક્ચરો આગમાં બળીને ખાક થયાં છે જેમાં ૧૯ સાર્સફિલ્ડ અને ૨૪ બુચાનમાં આવેલાં છે. ગયા સપ્તાહે ૬૦ નવી આગની ઘટનાઓ નોંધાઈ છે. ઈસ્ટ ગિપ્સલેન્ડમાં આગના કારણે ૨,૦૦,૦૦૦ હેક્ટર જમીનમાં આવેલાં જંગલો બળીને ખાક થયાં છે. ભારે પવનના કારણે આગ વધારે પ્રસરી રહી છે. આગની સાત વોર્નિંગ સાઇરનો અપાઈ છે.
દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણીની સૌથી મોટી તૈયારી ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં કરવામાં આવે છે અને સિડની હાર્બર બ્રિજ પર થતી આતશબાજી જોવા લાખો પર્યટકો સિડની પહોંચે છે પણ આ વર્ષે ઓસ્ટ્રેલિયાના લોકો જંગલોમાં લાગેલી આગથી પરેશાન છે અને વિક્ટોરિયા પ્રાંતના દરિયાકાંઠે આવેલા મલ્લાકૂટામાં દાવાનળમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે આર્મીએ બ્લેકહોક અને ચિનૂક હેલિકોપ્ટરોની મદદ લીધી છે. આ વિસ્તારમાં આવેલા ટૂરિસ્ટોને જલદીથી આ વિસ્તાર છોડવા માટે સત્તાવાળાઓએ ચેતવણી આપી હતી તે છતાં લોકો ગરમીની છુટ્ટીઓમાં આ વિસ્તારમાં રજાઓ ગાળવા આવ્યા હતા.
સત્તાવાળાઓના કહેવા મુજબ આશરે ૪,૦૦૦ લોકો મલ્લાકૂટામાં ફસાયા છે. નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે. વિક્ટોરિયાના ઈસ્ટ ગિપ્સલેન્ડમાં ૪૩ ઘરો આગમાં નાશ પામ્યા છે અને ૪ લોકો ગુમ થયા છે. ઘરોમાં લાગેલી આગથી ગેસના સિલિન્ડરો ફૂટવાના અવાજો આવી રહ્યા છે. આગના કારણે આકાશનો રંગ ઓરેન્જ થયો છે અને દાવાનળનો ધુમાડો આખા પ્રદેશમાં ફેલાઈ ગયો છે. મંગળવારે સવારે ૮ વાગ્યે મલ્લાકૂટામાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસનને ન્યૂ સાઉથ વેલ્સના કોબાર્ગો શહેરમાં ઉશ્કેરાયેલા નાગરિકોએ ધધડાવ્યા હતા અને કહ્યું હતું કે જાઓ, અહીં તમને એક પણ મત નહીં મળે.
છેલ્લા થોડા સમયથી ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારના જંગલમાં ભીષણ દાવાનળ ફાટી નીકળ્યો છે. આ આગથી લોકોને ઊગારવા સરકારે લીધેલાં પગલાં અપૂરતાં છે એવો જનમત છે. એથી મોરિસન જ્યારે આ વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે ગુસ્સે થયેલા લોકોએ એમને ખદેડી કાઢ્યા હતા.
આગ બુઝાવવાના કામમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોએ મોરિસન સાથે હસ્તધૂનન કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. એથી મોરિસન સ્તબ્ધ થઇ ગયા હતા. એક મહિલાએ તો ખુલ્લેઆમ પૂછ્યું હતું કે આ દાવાનળથી જે લોકો જીવતા બળી ગયા એમને બચાવવા માટે તમે શું કર્યું, જેમનાં ઘરબાર બળી ગયાં એમને માટે તમે શું કર્યું ? મહેરબાની કરીને જાઓ અહીંથી. તમને આ વિસ્તારનો એક પણ મત નહીં મળે. આ વિસ્તારના લોકોએ અને સ્થાનિક નેતાઓએ વડા પ્રધાન પર પક્ષપાતનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પૂર આવે કે બીજી કોઇ કુદરતી આફત આવે ત્યારે તમારી સરકાર અમને કશી મદદ કરતી નથી. તમે પક્ષપાતી છો.
મોરિસને મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે લોકોની નારાજીની ભાવના હું સમજી શકું છું. પરંતુ સમસ્યા વિરાટ અને વિકરાળ હોય ત્યારે ગમે તેટલા પ્રયાસો પણ ક્યારેક નિષ્ફળ જતા હોય છે. અમારી મર્યાદા હું સમજું છું તેમ લોકોનો રોષ પણ મને સમજાય છે.