ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે ભારે તારાજી સર્જાઇ છે અને રાજ્ય સ્તરની કટોકટી લાગુ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે સિડનીના પુરગ્રસ્ત પશ્ચિમ વિસ્તારોમાંથી સોમવારે હજારો લોકોને સુરક્ષિત ખસેડવાની યોજના બનાવી હતી. દેશમાં 60 વર્ષનું આ સૌથી ભયાનક પૂર છે અને વધુ એક દિવસ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
સોસિયલ મીડિયાના ફુટેજમાં દર્શાવ્યા મુજબ આ પુરમાં ઘર, વાહનો અને પ્રાણીઓ તણાઈ ગયા હતા. રોડ, બ્રિજ, મકાનો, ખેતરો પાણીમાં ડુબી ગયા હતા. સત્તાવાળાને બુધવાર સુધી ખરાબ હવામાન ચાલુ રહેવાનો અંદાજ છે.
શનિવારની રાત્રે સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટરમાં મદદ માગતા 640 રેસક્યુ કોલ આવ્યા હતા અને તેમાંથી 66 કોલ પૂરની વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોના બચાવ માટે હતા. પૂરને કારણે ઉત્તર પૂર્વ વિસ્તારમાં 20,000થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. નદીઓનું પાણી સડક પર આવી જવાને કારણે મગરમચ્છ અને સાપ જેવા પ્રાણીઓ સડક પર આવી ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.
ન્યૂ સાઉથ વેલ્સના ગવર્નરે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ વિસ્તારમાં ઇવેક્યુએશનના આદેશો આપી લોકોનું સ્થળાંતર કરાઇ રહ્યું છે અને પૂરમાં ફસાયેલા લોકોનો બચાવ કરવામાં આવી રહ્યો છે.
100 વર્ષમાં એકવાર સર્જાય તેવી આ તારાજી છે. હજુ પણ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. સિડનીના પશ્ચિમ વિસ્તારોમાં પણ પચાવ વર્ષ બાદ ભયાનક અતિવૃષ્ટિ અને પૂર આવ્યા છે અને અહીંના ઘણાં વિસ્તારોમાં 11.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
પશ્ચિમ સિડનીમાં આવેલો વારગંબા ડેમ છેલ્લાં ત્રણ દિવસથી ઓવરફ્લો થઇ વહી રહ્યો હોવાથી સમગ્ર ન્યૂ સાઉથ વેલ્સમાં 13થી વધુ રાહત સેન્ટરો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વાહન લઇને બહાર ન નીકળે, કારણ કે અત્યારે પાણીના તીવ્ર શક્તિશાળી પ્રવાહો વહી રહ્યા હોવાથી વાહનો પ્રવાહમાં આસાનીથી તણાઇ જાય તેવી શક્યતા છે.