કોરોના વાઇરસ ફેલાવાને કારણે ઓસ્ટ્રેલિયાના જાણીતા બે રાજ્યોની સરહદ મંગળવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુસે સોમવારે જણાવ્યું હતું. આ નિર્ણયના પગલે 100 વર્ષમાં પ્રથમવાર પાડોશી રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સ સાથેની સરહદ બંધ કરાશે. 1919માં સ્પેનિશ ફ્લુના રોગચાળાના કારણે આ બંને રાજ્યોની સરહદ બંધ કરાઈ હતી.
તાજેતરમાં વિક્ટોરિયાની રાજધાની મેલબર્નમાં કોવિડ-19ના કેસમાં વધારો થતા સત્તાવાળાઓએ તાત્કાલિક 30 સબર્બમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો લાગુ કર્યા હતા અને નવ પબ્લિક હાઉસિંગ ટાવર્સમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું હતું. વિક્ટોરિયમાં એક રાતમાં કોવિડ-19ના 127 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીની કોરોના મહામારીમાં સૌથી વધુ હતા, અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું.
અત્યાર સુધીમાં દેશમાં કુલ 105 લોકોના મોત થયા છે. એન્ડ્રુએ જણાવ્યું હતું કે, સરહદો બંધ કરવાનો નિર્ણય વડાપ્રધાન સ્કોટ મોરિસન અને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડીઝ બેરેજીકલીયન સાથે ચર્ચા પછી લેવામાં આવ્યો છે. કોરોનાવાઇરસ મહામારીના સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ અન્ય ઘણા દેશો કરતા ખૂબ જ સારી છે.
ત્યાં ફક્ત 8,500 કેસ છે. જો કે, મેલબર્નમાં કેસની સંખ્યા ચેતવણી સમાન છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં સરેરાશ દરરોજ 109 કેસ નોંધાય છે, તેની સરખામણીએ જુનના પ્રથમ અઠવાડિયામાં સરેરાશ દરરોજ ફક્ત નવ કેસ જ નોંધાયા હતા.