ઓસ્ટ્રેલિયામાં એક ચર્ચને કોરોના વાઇરસની બ્લીચથી ચમત્કારિક સારવાર કરવાની ગેરકાયદે જાહેરાત આપવા બદલ દંડ કરાયો છે, તેમ થેરાપ્યુટિક ગૂડ્સ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું. મેડિકલ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, એમએમએસ ઓસ્ટ્રેલિયાને કુલ 98 હજાર અમેરિકન ડોલરના વિવિધ 12 દંડ ફરમાવાયા છે, જે મિરેકલ મિનરલ સોલ્યુશનના પ્રચાર માટે કરાયા છે. એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ તેમાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, જેનો ઉપયોગ ટેક્સટાઇલ બ્લીચિંગ અને ચેપનાશક તરીકે થાય છે.
એમએમએસ ઓસ્ટ્રે્લિયા અમેરિકા સ્થિત જીનેસી ટુ ચર્ચ ઓફ હેલ્થ એન્ડ હીલિંગનો એક ભાગ છે, જે યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આધિન છે અને તેને બ્લીચ પ્રોડક્ટ ક્લોરિન ડાયોક્સાઇડ ધરાવતા એમએમએસના પોતાના ઉત્પાદનનું વેચાણ અથવા વિતરણ કરતા અટકાવે છે.
આ ચર્ચ સાથે હેતુપૂર્વક જોડાયેલી વેબસાઇટમાં પુરાવા વગર એવા દાવો કરાયો છે કે, એમએમએસ અલ્ઝાઇમરથી લઇને મેલેરિયા સુધીની દરેક બીમારીની સારવાર થઇ શકે છે, અને તેમાં પ્રમાણપત્રોની યાદી પણ છે. ઓસ્ટ્રે્લિયાના ટીજીએ દ્વારા જણાવાયું છે કે, એમએમએસના ઇન્જેશનથી જે નુકસાનકારક અસર થઈ શકે છે તે ચિંતાજનક હોવાથી ચર્ચને દંડ કરાયો છે.
રેગ્યુરલેટરના જણાવ્યા પ્રમાણે, એમએમએસથી કોઇપણ બિમારીની સારવાર અથવા તેનું નિવારણ થઇ શકે છે તેવા કોઇ ક્લિનિકલ અને વૈજ્ઞાનિક રીતે સમર્થન સહિતના પુરાવા નથી. એમએમએસનો ઉપયોગ આરોગ્ય માટે ગંભીર રીતે જોખમી છે અને તેનાથી ઉબકા, ઉલટી, ઝાડા અને ગંભીર ડીહાઇડ્રેશન થઈ શકે છે, જેના કારણે કેટલાક કેસમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે.
એમએમએસ ઓસ્ટ્રેલિયા હજી પણ તેની વેબસાઇટ પર તેના ઉત્પાદનોની જાહેરાત કરે છે, પરંતુ તેમણે જાહેરાત અંગેના નિયમોનું પાલન કરવા માટે તેમાંથી કેટલાક શબ્દો દૂર કર્યા છે. તેમાં એમ પણ જણાવ્યું છે કે, અમારી વેબસાઇટ ખતરનાક ઔદ્યોગિક બ્લીચ પીવાને પ્રોત્સાહન આપે છે, તેવું મીડિયા જુઠ્ઠાણું ફેલાવે છે. જેના કારણે ચર્ચને નજરઅંદાજ અને પરેશાન કરવામાં આવે છે.
એમએમએસ ઓસ્ટ્રેલિયાના આ ચમત્કારીક સારવારનો મુદ્દો અગાઉ પણ ચમકી ચૂક્યો છે. 2014માં ચાર ઓસ્ટ્રેલિયનને સોલ્યુશન પીધા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ટીજીએને જાહેર સલામતીની ચેતવણી આપવી પડી હતી.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કોવિડ-19 દર્દીઓની સારવાર ચેપનાશકથી કરવાના સૂચનથી તેની આકરી ટીકા થઇ હતી, એ વાતના ઘણા દિવસ પછી આ દંડ કરાયો હતો. જોકે, પછી ટ્રમ્પે પોતાના શબ્દો પરત લેવાનો પ્રયત્ન કરીને જણાવ્યું હતું કે, તેમણે તો એ ઉચ્ચારણો કટાક્ષમાં કર્યા હતા.