ટી20 ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાએ મોહાલીમાં મંગળવારે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતીય ટીમે નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 208 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમનો ટી20માં આ બીજો સૌથી સફળ રનચેઝ રહ્યો છે. અગાઉ ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ સામે ઓસિ.એ પાંચ વિકેટ 245 રનનો સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ઓપનર રાહુલે કેપ્ટન રોહિત સાથે ઓપનિંગ કરી હતી. રોહિત શર્મા (11) વધુ એક વખત ઉતાવળિયો શોટ રમવા જતા સસ્તામાં આઉટ થઈ ગયો હતો. લોકેશ રાહુલે 55 રનની ઈનિંગ રમી હતી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી (2) વધુ એક વખત ફ્લોપ સાબિત થયો હતો. સુર્યકુમાર યાદવે 25 બોલમાં 46 રન ફટકારીને તેની ટી20 વર્લ્ડ કપ ટીમમાં પસંદગીને સાર્થક કરી હતી. હાર્દિક પંડ્યાએ સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 71 રનની અણનમ ઈનિંગ રમીને ભારતનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો. હાર્દિકે ગ્રીનની છેલ્લી ઓવરના અંતિમ ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી ઈલિસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે હેઝલવુડે બે અને ગ્રીને એક વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટી20 શ્રેણીની બીજી મેચ નાગપુરમાં શુક્રવારે રમાશે.
ભારતના ફિલ્ડર્સે પણ કેટલાક કેચ છોડ્યા હતા જે ભારતના પરાજયનું કારણ રહ્યું હતું. હર્ષલ પટેલે 18મી ઓવરમાં 22 રન તેમજ ભુવનેશ્વર કુમારે 19મી ઓવરમાં 16 રન આપતા કાંગારૂ ટીમે બાજી પલટી નાંખી હતી. ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્ચ (22)ની વહેલી વિકેટ ગુમાવી હોવા છતાં મજબૂત શરૂઆત કરી હતી અને ઓપનર કેમરૂન ગ્રીને 61 રન તથા સ્મિથે 35 રન કરતા બીજી વિકેટ માટે 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
ઉમેશ યાદવે તેના ક્વોટાની બીજી ઓવરમાં સ્મિથ અને મેક્સવેલ (1)ની વિકેટ ઝડપતા મેચમાં રોમાંચક વળાંક આવ્યો હતો. ગુજ્જુ બોલર અક્ષર પટેલે સેટ બેટ્સમેન ઈંગ્લિસને (17)ને બોલ્ડ કરી પેવેલિયન મોકલ્યો હતો ત્યાં સુધી મેચમાં ભારતની પકડ જણાતી હતી પરંતુ ત્યારબાદ ટીમ ડેવિડ (18) અને મેથ્યુ વેડે 45 રનની અણનમ ઈનિંગ રમીને મેચનું પાસું પલટી નાંખ્યું હતું. ચહલે અંતિમ ઓવરના પ્રથમ બોલ પર ટીમ ડેવિડની વિકેટ મેળવી હતી પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ અંતિમ ત્રણ ઓવરમાં 40 રન ઝૂડ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટ ઉમેશે બે અને ચહલે એક વિકેટ ઝડપી હતી.