ભારતની અગ્રણી ફાર્મા કંપની ઓરોબિંદો ફાર્માએ તેની અમેરિકા ખાતેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નેટ્રોલ એલએલસીનું પ્રાઇવેટ ઇક્વિટી કંપની ન્યૂ માઉન્ટેન કેપિટલને વેચાણ કરવાની પ્રક્રિયા પૂરી કરી છે. આ વર્ષના ઓક્ટોબરમાં ઓરોબિંદો ફાર્માએ જાહેરાત કરી હતી કે તેને આશરે 550 મિલિયન ડોલરમાં ન્યૂ માઉન્ટેન કેપિટલને નેટ્રોલ એલએલસીનું વેચાણ કરવાની સમજૂતી કરી છે.
ઓરોબિંદો ફાર્માએ નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે આ ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ 30 નવેમ્બર 2020ના રોજ પૂરી થઈ છે. ઓરોબિંદો ફાર્માએ ડિસેમ્બર 2014માં નેટ્રોલને હસ્તગત કરી હતી. 31 માર્ચ 2020ના રોજ સમાપ્ત થયેલા 12 મહિનામાં નેટ્રોલનું વાર્ષિક વેચાણ આશરે 157 મિલિયન ડોલર રહ્યું હતું. અગાઉ ઓરોબિંદો ફાર્માના મેનેજિંગ ડિરેક્ટર એન ગોવિંદરાજને જણાવ્યું હતું કે નેટ્રોલના વેચાણથી ઊભી થયેલી રકમનો ઉપયોગ કંપનીના દેવામાં ઘટાડો કરવા અને નવી વ્યૂહાત્મક પહેલ માટે થશે.