ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂ. શ્રી ઓરોબિંદોની 150મી અને દત્તબાવની અને શ્રી ગુરુલીલામૃત લખનાર શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવા તા. 2 જુલાઈના રોજ સાંજે 7:30 વાગ્યે ક્વીન એલિઝાબેથ હોલ, સાઉથબેંક સેન્ટર, લંડન ખાતે રાગા જ્યોતિ દ્વારા ‘ગુરુ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આર્ટીસ્ટીક ડાયરેક્ટર રાકેશ જોશી દ્વારા રજૂ થનાર ‘ગુરૂ વંદના’ કોન્સર્ટમાં ભારતના આધ્યાત્મિક ગુરુઓને અર્પણ કરાયેલા ભક્તિ ગીતો, સંગીત, સ્તોત્રો, કવિતા અને નૃત્યના રૂપમાં પરંપરાગત સિતાર, વીણા, સંતૂર, મોહન વીણા, બાંસુરી, તબલા, મૃદંગમ, પખાવાજ, તાનપુરા, હાર્મોનિયમ, વાયોલિન, વાયોલા, સેલો, હાર્પ અને પિયાનોને સંગ દિવ્ય રાગ આધારિત અનોખુ સંગીત રજૂ કરાશે.

ભારતીય વૃંદ ગાનના પ્રતિભાશાળી ગાયકો અને જાણીતા સંગીતકારોની સાથે માતા અને શ્રી અરબિંદોના આજીવન ભક્ત રાકેશ જોશીના દિવ્ય પ્રકાશ (ભક્તિ સંગીત)ના ગીતોનો પણ સમાવેશ કરાશે. શ્રી અરબિંદો દ્વારા લખાયેલ મહાકાવ્ય રહસ્યમય કવિતા ‘સાવિત્રી’ ની થીમ પર આધારિત ભારતીય નૃત્ય પણ રજૂ કરાશે જેમાં રજૂ થયેલ નૃત્યને ઉષા રાઘવને કોરિયોગ્રાફ કર્યો છે.

શ્રી અરબિંદો ટ્રસ્ટ, લંડન અને શ્રી રંગ અવધૂત પરિવાર, લંડનના સ્થાનિક ભક્તો દ્વારા આ કાર્યક્રમને સમર્થન આપવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જુઓ: www.southbankcentre.co.uk અથવા સંપર્ક: ragajyoti@gmail.com

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments