અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવાસે અયોગ્ય રીતે રાખેલા ગુપ્ત દસ્તાવેજોની ચર્ચા કરતા સાંભળી શકાય તેવી ઓડિયો ક્લિપ્સ મલી આવી છે, જેમાં તેઓ એવું સ્વીકારતા સંભળાતા હતા કે તેમણે એ ગુપ્ત દસ્તાવેજો પોતાના કબજામાં રાખ્યા તે અયોગ્ય કૃત્ય હતું. બે મિનિટનું રેકોર્ડિંગ ટ્રમ્પે જુલાઈ 2021માં તેમના બેડમિન્સ્ટર, ન્યૂ જર્સી, ગોલ્ફ ક્લબમાં તેમના ભૂતપૂર્વ ચીફ ઑફ સ્ટાફ માર્ક મીડોઝના સંસ્મરણો પર કામ કરતા લોકો માટે આપેલા ઇન્ટરવ્યુમાંથી મળી આવ્યું હતું.
રેકોર્ડિંગની ટ્રાંસ્ક્રિપ્ટના ભાગો સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથના ડોનાલ્ડ ટ્રમ્પ પર 49 પાનાના આરોપમાં પુરાવા તરીકે ટાંકવામાં આવ્યા હતા કે તેમણે ઓફિસ છોડ્યા પછી વર્ગીકૃત દસ્તાવેજો પોતાની પાસે રાખવામાં ગેરરીતિ કરી હતી. સીએનએન દ્વારા વગાડવામાં આવેલી આ ઓડિયો ક્લિપ એબીસી અને સીબીએસને પણ હાથ લાગી છે, જેમાં એક ક્ષણનો સમાવેશ થાય છે જ્યારે મિસ્ટર ટ્રમ્પ સૂચવે છે કે તેઓ ઈરાન પર હુમલો કરવાની યોજના વિષેનો એક ગુપ્ત પેન્ટાગોન દસ્તાવેજ ધરાવે છે.
ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની સરકારના રહસ્યો જાણીજોઈને ખોટી રીતે હેન્ડલ કરવાના 37 ગુનાઓમાં પોતે દોષિત નહીં હોવાનું જણાવ્યું છે. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ મૂક્યો છે કે તેમણે ઓફિસ છોડ્યા પછી વર્ગીકૃત દસ્તાવેજો તેના યોગ્ય સ્થળેથી હટાવ્યા કર્યા હતા અને તે નેશનલ આર્કાઇવ્ઝને સોંપવામાં નિષ્ફળ રહી જાસૂસી અધિનિયમ તથા અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હતું .
77 વર્ષના અબજોપતિ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઉપર આરોપ છે કે તેઓ ફ્લોરિડામાં તેની બીચફ્રન્ટ હવેલીમાં ગેરકાયદે લઈ ગયેલા ડઝનેક વર્ગીકૃત દસ્તાવેજો જાણીજોઈને ત્યાં રાખ્યા હતા, તે પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને તપાસકર્તાઓને તે દસ્તાવેજોની પુનઃપ્રાપ્તિ માટેના પ્રયાસોને અવરોધવાનું કાવતરું ઘડ્યું હતું.