પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાં સોમવારે હોળીની ઉજવણી કરી રહેલા લઘુમતી હિંદુ સમુદાયના વિદ્યાર્થીઓ પર કટ્ટરપંથી ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ હુમલો કરતાં 15 વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ ઘટનાનો એક વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પંજાબ યુનિવર્સિટીની લો કોલેજમાં આશરે 30 હિન્દુ વિદ્યાર્થીઓ હોળી ઉજવવા માટે એકત્ર થયા હતા. યુનિવર્સિટીના એક વિદ્યાર્થી અને નજરે જોનારા કાશિફ બ્રોહીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ કોલેજની અંદર એકત્ર થયા ત્યારે એક ટોળુ આવ્યું હતું અને તેઓએ ઉજવણી કરવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ ઝઘડો થયો હતો. એ પછી આ જૂથે હુમલો કરતા પંદર જેટલાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બ્રોહીએ દાવો કર્યો કે તેઓએ યુનિવર્સિટીની મંજૂરી પણ લીધી હતી.

ખેત કુમાર નામના વિદ્યાર્થીને આ દરમિયાન હાથમાં ઈજા પણ પહોંચી હતી. તેને કહ્યું કે, જ્યારે આ વાતનો વિરોધ કરવા માટે તેઓ ગયા તો સુરક્ષાકર્મીઓ તેમને માર માર્યો હતો. તેઓ કુલપતિની ઓફિસ બહાર વિરોધ કરવા માટે ગયા હતા. કુમારે કહ્યું કે, અમે આઈજેટી અને અમને માર મારનારા તથા સુરક્ષા કર્મચારીઓ વિરુદ્ધ એક ફરિયાદ પણ કરી છે. પરંતુ હજુ સુધી તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી.

આઈજેટીના પ્રવક્તા ઈબ્રાહિમ શાહિદે આ ઘટનામાં તેમના વિદ્યાર્થીઓની સંડોવણી હોવાનો પણ ઈનકાર કર્યો હતો. પંજાબ યુનિવર્સિટીના પ્રવક્તા ખુર્રમ શહજાદે કહ્યું કે, યુનિવર્સિટી તંત્રએ લો કૉલેજના ઉદ્યાનમાં હોળી ઉજવવાની મંજુરી આપી નહોતી. જો સમારોહ રુમની અંદર યોજવામાં આવ્યો હોત તો કોઈ મુશ્કેલી ઉભી ન થઈ હોત. કુલપતિએ આ મામલે તપાસના આદેશ આપ્યો હતો.

 

LEAVE A REPLY