અમેરિકાના કેલિફોર્નિયામાં એટમોસ્ફેરિક રિવર સ્ટોર્મ ભારે વરસાદ અને વાવાઝોડા આવ્યું હતું. તેનાથી આશરે 9,000 લોકોને સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ભારે વરસાદથી નદીઓ અને ખાડીઓ ઉભરાઈ ગયા હતા અને તેના પાણી કેટલાંક મુખ્ય હાઇવે અને નાના ગ્રામીણ સમુદાયો પર ફરી વળ્યા હતા.
સેન્ટ્રલ કેલિફોર્નિયામાં ટુલે નદીમાં પૂર આવ્યું હતું અને તેના પાણી ઘણા ઘરોમાં ઘુસ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડીયોમાં કેટલાંક ઘરો અને કાર પાણીમાં ગરકાવ થયેલા દેખાય છે. સ્પ્રિંગવિલેમાં વહેતી નદી દ્વારા ઓછામાં ઓછો એક રસ્તો ધોવાઈ ગયો હતો. કેર્ન કાઉન્ટીના કેર્નવિલે શહેરમાં પણ અચાનક પૂર આવ્યું હતું.
સાન્તા ક્રૂઝ કાઉન્ટીમાં ભારે વરસાદને પગલે ખાડીને પાણી સોક્વેલ નામના શહેરમાં ફરી વળ્યા હતા અને મુખ્ય રસ્તો ધોવાઈ ગયો હતો. 10,000 લોકોની વસતી સાથેનું આ શહેર આજુબાજુના વિસ્તારોથી છૂટું થઈ ગયું હતું. રાહત અને બચાવ દળના કર્મચારીઓ ધરાશાયી થયેલા વૃક્ષો અને કાટમાળને દૂર કરી રહ્યાં છે. કાઉન્ટી સત્તાવાળાઓએ શહેરના રહેવાસીઓને ઘરની અંદર જ રહેવા આદેશ આપ્યો હતો. હિથર વિંગફિલ્ડ નામની એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે તેના પતિ અને પડોશીઓ હાલમાં તેમના ઘરોમાં ફસાઈ ગયા હતા. તે ભયાનક સ્થિતિ છે.
ખાડીનું પાણી બહાર આવી રહ્યું હોવાથી નજીકના વોટસનવિલેમાં સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો. રસ્તાઓ પર કેટલાક ફૂટ પાણી ભરાઈ ગયા હતા. તેનાથી ડઝનેક ઘરો સામે પૂરનો ખતરો ઊભો થયો હતો.