નવી દિલ્હીમાં જી-20 લીડર્સ સમીટનીના રવિવાર, 10 ઓગસ્ટે સમાપનની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની નવી વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ અને તમામ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીએમ મોદીએ બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને જી-20ની અધ્યક્ષતા સોંપી હતી. આની સાથે સમીટનું સમાપન થયું હતું. અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રાઝિલ સહિતના દેશોએ ભારતીય અધ્યક્ષતામાં સમીટના નિષ્કર્ષોની પ્રશંસા કરી હતી.
ઉભરતી અર્થવ્યવસ્થાઓના હિતો અંગે અવાજ રજૂ કરવા બદલ ભારતની પ્રશંસા કરતાં બ્રાઝિલના પ્રેસિડન્ટ લુલાએ પણ જણાવ્યું હતું કે યુએનએસસીમાં કાયમી અને અસ્થાયી સભ્યો તરીકે નવા વિકાસશીલ દેશોની જરૂર છે.
સમીટની સમાપન ટિપ્પણીમાં વડાપ્રધાને વિકસિત અને વિકાસશીલ દેશોના નેતાઓએ કરેલા સૂચનો અને નિર્ણયોની સમીક્ષા કરવા માટે નવેમ્બરના અંતમાં G20ના વર્ચ્યુઅલ સત્રની દરખાસ્ત પણ કરી હતી. આ દરખાસ્ત સાથે પીએમએ G20 સમીટના સમાપનની જાહેરાત કરી હતી. 55 દેશોના આફ્રિકન યુનિયનને પણ શનિવારે જી-20નું કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું, જે ભારતની અધ્યક્ષતાનું એક મોટું સીમાચિહ્નરૂપ છે. મોદીએ જણાવ્યું હતું કે G20નું ભારતનું પ્રમુખપદ સત્તાવાર રીતે 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે અને જૂથના વડા તરીકે તેના કાર્યકાળ માટે અઢી મહિના હજુ બાકી છે. સમગ્ર વિશ્વમાં આશા અને શાંતિ માટે પ્રાર્થના કરવા માટે મોદીએ એક સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો.
‘વન ફ્યુચર’ સત્રને સંબોધતા મોદીએ કહ્યું હતું કે વિશ્વને વધુ સારા ભવિષ્ય તરફ દોરી જવા માટે વૈશ્વિક સંસ્થાઓએ નવી વાસ્તવિકતાઓ પ્રતિબિંબિત કરવી જોઈએ. યુએનની સ્થાપના થઈ ત્યારે વિશ્વ આજે છે તેનાથી સંપૂર્ણપણે અલગ હતું. તે સમયે યુએનમાં 51 સ્થાપક સભ્યો હતાં. આજે યુએનમાં સમાવિષ્ટ દેશોની સંખ્યા લગભગ 200 છે. આમ છતાં યુએનએસસીમાં સ્થાયી સભ્યોની સંખ્યા યથાવત છે. વિશ્વ દરેક પાસાઓમાં ઘણું બદલાઈ ગયું છે. પછી તે પરિવહન, સંદેશાવ્યવહાર, આરોગ્ય અને શિક્ષણ હોય, દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. આ નવી વાસ્તવિકતાઓ નવી વૈશ્વિક વ્યવસ્થામાં પ્રતિબિંબિત થવી જોઈએ.
યુએનએસસીમાં હાલ પાંચ કાયમી સભ્યો છે. તેમાં યુએસ, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાનો સમાવેશ થાય છે. ભારત લાંબા સમયથી કાયમી સભ્યપદ માટે દાવેદારી કરી રહ્યું છે.
મોદીએ સાયબર સિક્યોરિટી અને ક્રિપ્ટો કરન્સીને વિશ્વના વર્તમાન અને ભવિષ્યને અસર કરતી સળગતી સમસ્યાઓ ગણાવી હતી અને તેના નિયમન માટે નિયમો ઘડવાની તરફેણ કરી હતી. સાયબર સ્પેસ આતંકવાદ માટે ભંડોળના નવા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે અને તેને સુરક્ષિત બનાવવા માટે વૈશ્વિક સહયોગ અને માળખાની જરૂર છે. સમાપન સમારોહને સંબોધતા બ્રાઝિલના પ્રમુખ લુલાએ જણાવ્યું હતું કે ભૂરાજકીય મુદ્દાથી જી20ની મંત્રણાઓ હાઇજેક થવી જોઇએ નહીં અને વિશ્વને વિભાજિત G20માં રસ નથી