ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશના સમૃદ્ધ વારસાને રજૂ કરતી કલાકૃતિઓ અને પરંપરાગત વસ્તુઓ વિશ્વ નેતાઓને ભેટમાં આપી હતી. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને હાથવણાટની ‘માતા ની પછેડી’ની ગિફ્ટ આપી હતી, જે દેવી માનું કપડા પરનું પેઇન્ટિંગ છે. વડા પ્રધાનને દેશના વિવિધ પ્રદેશો સાથે સંકળાયેલી કલાકૃતિ ગિફ્ટ આપીને ભારતની સમૃદ્ધ અને પ્રાચીન વારસાને વૈશ્વિક ઓળખ આપવાની તેમની પરંપરા નિભાવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદીએ અમેરિકાના પ્રમુખ જો બાઇડનને કાંગરાના પેઇન્ટિંગ ભેટમાં આપતા હતા, જે રાધા કૃષ્ણના ‘શ્રૃંગાર રસ’નું ચિત્રણ કરે છે. મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા એન્થની આલ્બેનીઝને છોટા ઉદેપુરના રાઠવા કારીગરોએ તૈયાર કરેલા ‘પિઠોરા’ની કલાકૃતિ આપી હતી, જ્યારે ઇટલીને મહિલા વડા જ્યોર્જિયા મેલોનીને ભેટમાં ‘પાટણના પટોળાના દુપટ્ટા’ આપ્યા હતા.
ફ્રાન્સ, જર્મની અને સિંગાપોરના નેતાઓને મોદીએ ‘અકીકના બાઉલ’ ભેટ આપી હતી, જે ગુજરાતના કચ્છ પ્રદેશ સાથે સંકળાયેલ પરંપરાગત હસ્તકલાની કલાકૃતિ છે. આ વખતે તેમણે હિમાચલ પ્રદેશ અને ગુજરાત સાથે સંકળાયેલા પરંપરાગત કલાકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોગાનુજોગ ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જ્યારે હિમાલચમાં 12 નવેમ્બરે મતદાન યોજાયું હતું.
કાંગરાના લઘુચિત્ર કુદરતી પૃષ્ઠભૂમિમાં પ્રેમનું નિરૂપણ કરે છે. પ્રેમની ભાવના અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ એ આ ‘પહાડી’ ચિત્રોની પ્રેરણા અને મુખ્ય વિષયવસ્તુ હોય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદીએ યજમાન દેશ ઇન્ડિયાના વડાને સુરતના કુશળ ધાતુકારોએ બારીકાઈથી બનાવેલી અનોખી કલાકૃતિ સમાન સિલ્વર બાઉલ (ચાંદીનો કટોરો) અને હિમાલય પ્રદેશની પ્રખ્યાત કિન્નોર શાલ ભેટમાં આપી હતી.
તેમણે સ્પેનના નેતાને હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ પ્રદેશોની પ્રખ્યાત પિત્તલની શરણાઈનો સેટ ભેટમાં આપ્યો હતો. એક મીટર લાંબી આ શરણાઈ ખાસ પ્રસંગોએ હિમાલયના પ્રદેશોમાં વગાડવામાં આવે છે. તેમાં ધતુરાના ફૂલની જેવી દેખાતી આગવી ઘંટડી છે અને તેનો ઉપયોગ ઔપચારિક પ્રસંગોએ થાય છે.
મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા એન્થની આલ્બેનીઝને છોટા ઉદેપુરના રાઠવા કારીગરોએ તૈયાર કરેલા ‘પિઠોરા’ની કલાકૃતિ આપી હતી,. (ANI Photo)
ઇટલીના મહિલા વડા જ્યોર્જિયા મેલોનીને ભેટમાં ‘પાટણના પટોળાના દુપટ્ટા’ આપ્યા હતા.