(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં ‘અહલાન મોદી’ ઇવેન્ટમાં ઇન્ડિયન કમ્યુનિટીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક હૃદયની ધડકન ભારત-UAE દોસ્તી ઝિંદાબાદ કહી રહી છે. ભારતના વિવિધ રાજ્યોના લોકો હાજર છે, પરંતુ તેમના હૃદય જોડાયેલા છે. હું અહીં મારા પરિવારને મળવા આવ્યો છું. તમે જે માટીમાં જન્મ્યા છો તેની સુગંધ લાવવા હું અહીં આવ્યો છું. હું તમારા 140 કરોડ ભાઈ-બહેનોનો સંદેશ લઈને અહીં આવ્યો છું. અને સંદેશ છે કે ભારતને તમારા પર ગર્વ છે.

ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ચાર દક્ષિણ રાજ્યોમાં બોલાતી ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ બોલ્યા હતા. આ ચાર રાજ્યોમાંથી સૌથી વધુ લોકો યુએઇ જાય છે.

મોદીએ જણાવ્યું હતું કે તમારો ઉત્સાહ, તમારો અવાજ અબુધાબીમાં ગુંજી રહ્યો છે. અહીં આવવા બદલ હું તમારો આભાર માનું છું. હું મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાહીદ (UAE પ્રમુખ)નો આભાર માનું છું. તેમના વિના આ શક્ય ન બન્યું હોત. મારા પ્રત્યેનો તેમનો આદર મારા માટે કિંમતી જણસ છે. ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ આજે પણ એરપોર્ટ પર મને આવકારવા આવ્યા હતાં. ભારતમાં તેમનું ચાર વખત સ્વાગત  કરવાનું મને સન્માન મળ્યું છે. અમારા સંબંધો દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યા છે.

બીએપીએસ મંદિર અંગે મોદીએ જણાવ્યું હતું કે 2015માં મેં તેમને (શેખ મોહમ્મદ બિન ઝાયેદ) ને તમારા બધા વતી અબુ ધાબીમાં મંદિર બનાવવાની દરખાસ્ત રજૂ કરી, ત્યારે તેમણે તરત જ તેના માટે હા પાડી… હવે આ ભવ્ય (BAPS) ) મંદિરના ઉદ્ઘાટનનો સમય આવી ગયો છે

આ ભવ્ય ઇવેન્ટ માટે ભારતીય સમુદાયે જોરદાર રસ દર્શાવ્યો હતો અને શરૂઆતમાં 65,000થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે યુએઈ સરકારના આદેશ અનુસાર, 13 ફેબ્રુઆરીએ સ્ટેડિયમની બેઠક ક્ષમતાના આધારે સહભાગીઓની સંખ્યા મર્યાદિત કરાઈ હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 700થી વધુ સાંસ્કૃતિક કલાકારોનું પ્રદર્શન હતું. આ કલાકારોએ ભારતીય કળાની વ્યાપક વિવિધતાનું આબેહૂબ વર્ણન કર્યું હતું.

 

LEAVE A REPLY