જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવાર, 15 નવેમ્બરે એક બસ ખીણમાં પડી જતાં 36 લોકોના મોત થયા હતા અને અન્ય 19 લોકો ઘાયલ થયા હતા. જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે જણાવ્યું હતું કે, 55 મુસાફરો સાથેની બસ બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ત્રંગલ-અસાર પાસે રસ્તા પરથી 300 ફૂટ નીચે પડી ખીણમાં ખાબકી હતી.
કેન્દ્રીય પ્રધાન ડૉ જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કમનસીબે 36 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 6 ઘાયલોની હાલત ગંભીર છે. ઘાયલોને ડોડા અને કિશ્તવાડની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. ડૉ. સિંહે એમ પણ કહ્યું કે ઘાયલોને એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાનના કાર્યાલયે કહ્યું હતું કે “જમ્મુ અને કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટના દુઃખદાયક છે. જે પરિવારોએ તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય.” મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરાઈ હતી