ભારતના શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) બુધવાર, 29 નવેમ્બરે $4.01 ટ્રિલિયન અથવા રૂ.333 લાખ કરોડથી વધુને આંબી ગયું હતું, જે વર્ષની શરૂઆત પછીથી $600 બિલિયનથી વધુનો વધારો દર્શાવે છે. માર્કેટવેલ્યૂના સંદર્ભમાં ભારતનું શેરબજાર હાલમાં વિશ્વમાં પાંચમાં ક્રમે છે. અમેરિકાના શેરબજારોનું માર્કેટવેલ્યું $47 ટ્રિલિયન, ચીનનું $9.7 ટ્રિલિયન, જાપાનનું $5.9 ટ્રિલિયન અને હોંગકોંગનું $4.8 ટ્રિલિયન છે.
ભારતનું GDP હજુ ચાર ટ્રિલિયન ડોલરનું થયું નથી, પરંતુ ભારતીય શેરમાર્કેટની વેલ્યૂ 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી, જે ભવિષ્યમાં ઊંચી વૃદ્ધિનો સંકેત આપે છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ અથવા એનએસઇના નિફ્ટી ઈન્ડેક્સ 10 ટકા કરતા વધારે વધ્યો છે. સ્મોલ અને મિડકેપ કંપનીઓએ આઉટપરફોર્મન્સ કરવામાં આગેવાની લીધી છે. આ ઉપરાંત શેરમાર્કેટમાં તાજેતરમાં ઢગલાબંધ આઈપીઓ આવ્યા છે, જેમાં મૂડીરોકાણના કારણે આખા માર્કેટની વેલ્યૂ વધતી જાય છે. મે 2021માં ભારત ત્રણ ટ્રિલિયન ડોલરની ક્લબમાં આવી ગયું હતું. ત્યાર બાદ વધુ એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરવામાં અઢી વર્ષ લાગ્યા છે.
ભારતીય શેરમાર્કેટની સ્પર્ધા હવે જાપાન સાથે છે. વર્ષ 2027માં ભારત નોમિનલ જીડીપીની બાબતમાં જાપાન કરતા આગળ નીકળી જશે તેમ માનવામાં આવે છે. ઈકોનોમીની સાઈઝ જોવામાં આવે તો ભારત અને ચીન આ બે દેશ જ ભારત કરતા આગળ રહેશે. હાલમાં ભારતીય અર્થતંત્રનું કદ 3.4 ટ્રિલિયન ડોલર છે જે વર્ષ 2047માં 29 ટ્રિલિયન ડોલર અને 2052માં 45 ટ્રિલિયન ડોલર થાય તેવી શક્યતા છે. સીએલએસએના અંદાજ મુજબ ભારત મોટા પાયે સુધારા ચાલુ રાખે તો 30 વર્ષ પછી ભારતીય ઈકોનોમીની સાઈઝ અમેરિકન ઈકોનોમી કરતા પણ મોટી હશે.
