એસાયલમ સીકર્સના 20 લોકોના એક જૂથે વ્યક્તિ દીઠ દરેકને ખાનગી રૂમ આપવાની માંગ સાથે વિરોધ કરવા સેન્ટ્રલ લંડનના પિમ્લિકોમાં આવેલી થ્રી-સ્ટાર કમ્ફર્ટ ઇન હોટલના પ્રવેશદ્વાર પર બેગો લઇને શુક્રવારે ધામા નાંખી દાદાગીરી કરી હોટેલનો 48 કલાક સુધી ઘેરાવ કર્યો હતો. આટલું જ નહિં તેમણે અન્ય રેસ્ટોરંટ્સ અને બિઝનેસીસના દરવાજાઓ રોકીને તેમના વેપાર ધંધાને પણ અસર કરી હતી.
આ વિરોધ બુધવારે શરૂ થયો જ્યારે, એસેક્સની એક હોટલમાંથી અહીં ખસેડાયા બાદ લગભગ 40 એસાયલમ સિકર્સને કહેવાયું હતું કે તેમણે ચાર લોકોએ બે બંક બેડ પર એક રૂમ શેર કરવાનો રહેશે. ઈરાક, ઈરાન, એરિટ્રિયા, ઈથોપિયા, સોમાલિયા અને બાંગ્લાદેશના આ જૂથે જ્યાં સુધી તેઓને દરેકને પ્રતિ નાઇટ £153નો ચાર્જ વસુલ કરતી હોટેલમાં વ્યક્તિ દીઠ સિંગલ રૂમ આપવામાં ન આવે ત્યાં સુધી શેરીમાં ફૂટપાથ પર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
27 વર્ષીય ઈરાની નાગરીકે કહ્યું હતું કે “ચાર લોકોને સૂવા માટે બે ચોરસ મીટર જગ્યા પૂરતી નથી અને જ્યારે કોઇ ટોયલેટ જાય છે ત્યારે રૂમ ગંધાય છે.”
વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલના નેતા, એડમ હગે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પત્ર લખી જણાવ્યું હતું કે ‘’આ અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરો કે શા માટે તેમને શેરીમાં છોડી દેવાયા છે. આ મુદ્દો હજુ પણ વણઉકેલ્યો છે અને ગુરુવાર સાંજ સુધી તમામ 40 લોકો શેરીમાં પડ્યા રહે તે સ્વીકાર્ય નથી.”
હોમ ઑફિસે આ જૂથને દરરોજના અંદાજિત £6 મિલિયનનો ખર્ચ ઘટાડવાના પ્રયાસના ભાગ રૂપે ખસેડ્યું છે.