જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેઈન, પોર્ટુગલ અને સાઇપ્રસ સહિતના દેશોએ તાકીદની અસરથી એસ્ટ્રાઝેનેકાની કોરોના વિરોધી રસીનો ઉપયોગ બંધ કરવાનો સોમવારે નિર્ણય લીધો હતો. આ દેશોએ સંભવિત બ્લડ ક્લોટની ચિંતાને કારણે આ વેક્સીનના ઉપયોગ પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુરોપની મેડિસિન નિયમનકારી સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વેક્સીન સુરક્ષિત છે અને ગભરાટભર્યા રીએક્શનની જરૂર નથી. આ બંને સંગઠનોએ આ મુદ્દે આ સપ્તાહે વિશેષ બેઠક યોજવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સ્લોવેનિયા, લેટવિયા, નેધરલેન્ડ, આયર્લેન્ડે પણ આ વેક્સીનનો ઉપયોગ અટકાવી દીધો હતો. સ્વીડનની હેલ્થ એજન્સીએ સાવચેતીના પગલાં તરીકે પણ એસ્ટ્રાઝેનેકાની વેક્સીનનો ઉપયોગ અટકાવી દેવાની મંગળવારે જાહેરાત કરી હતી.
બ્લીડિંગ, બ્લડ ક્લોટ અને પ્લેટલેટમાં ઘટાડાના કેટલાંક કિસ્સાને પગલે ડેનમાર્ક અને નોર્વેએ ગયા સપ્તાહે વેક્સીનનો ઉપયોગ બંધ કર્યો હતો. આયર્લેન્ડ અને નેધરલેન્ડે રવિવારે વેક્સીનનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી હતી.
જોકે ઓસ્ટ્રેલિયાના સત્તાવાળાએ જણાવ્યું હતું કે વેક્સીનનો ઉપયોગ અટકાવવાનો તેનો કોઇ ઈરાદો નથી. ગુરુવારે વિશેષ બેઠક બોલાવનારી યુરોપિયન મેડિસિન એજન્સી બ્લડ ક્લોટની સમસ્યાની તપાસ કરી રહી છે અને પુનરુચ્ચાર કર્યો હતો કે એસ્ટ્રોઝેનેકાની વેક્સિન કોરોના સામે રક્ષણ આપવામાં સફળ છે અને તેનો ઉપયોગ ચાલુ રાખવો જોઇએ. એસ્ટ્રાઝેનેકાની વેક્સિનની આડઅસરો કરતાં કરતાં તેના લાભ વધુ છે.
ઈટલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી બ્લડ ક્લોટ થતાં હોવાના અહેવાલને પગલે આ રસી પર સાવચેતીના ભાગરૂપે હંગામી પ્રતિબંધ મુક્યો હતો. ફ્રાન્સ અને જર્મનીએ પણ અગમચેતીના પગલાંરૂપે હાલ પુરતું એસ્ટ્રાઝેનેકાની રસી આપવાનું બંધ કરી દીધું છે.
એસ્ટ્રોઝેનેકાએ રવિવારે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને યુકેમાં વેક્સીન લીધેલા 17 મિલિયન લોકોની સમીક્ષામાં બ્લેડ ક્લોટનું જોખમ વધતું હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. એસ્ટ્રાઝેનેકાની રસીનો ઉપયોગ અટકાવવાનો નિર્ણય જાહેર કરતાં ઈટલીના મેડિસિન રેગ્યુલેટર એઆઇએફએએ જાહેરાત કરી હતી કે યુરોપના અન્ય દેશોએ લીધેલા નિર્ણયને ધ્યાનમા રાખીને અમે હાલ એસ્ટ્રાઝેનેકાની રસીનો ઉપયોગ અટકાવી દીધો છે.
ઈટલીમાં રસી લીધા બાદ કેટલાક લોકોના મૃત્યુની ઘટના બની હતી,. જે અંગેનો છેલ્લો કિસ્સો ઉત્તરીય પીડમોન્ટ જિલ્લામાં બન્યો હતો, જ્યાં 57 વર્ષના સંગીત શિક્ષક રસી લીધાના 24 કલાકમાં મૃત્યું પામ્યા હતા. તેમની સાથે સાથે ઈટલીમાં રસી લીધા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિઓની ઓટોપ્સીનો નિર્ણય પણ લેવાયો હતો.
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી કે, યુરોપિયન મેડિસિન એજન્સી વેક્સીન અંગેની ભલામણો જાહેર ન કરે ત્યાં સુધી અમે એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ અટકાવી દીધો છે.