ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાજ્યના શહીદ સૈનિકોની વિધવા, પરિવારજનો માટેની સહાય વધારી રૂ.1 કરોડ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ શહીદ સૈનિકો માટે રૂ.1 લાખની સહાય આપવામાં આવતી હતી, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.
ગુજરાતના શહીદ સૈનિકોના આશ્રિતોને આપવામાં આવતી આ સહાય મુખ્યપ્રધાનના જવાન રિલીફ ફંડમાંથી ચુકવવામાં આવશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શહીદના કુટુંબીજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે ઉચ્ચ કક્ષાની સચિવોની સમિતિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે. હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીમાં જે અનામત અપાય છે, તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. માજી સૈનિકોને કુટુંબનો નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી અપાય છે.
રાજ્યમાં શહીદ જવાનોના બાળકોને અગાઉ માસિક 500 રૂપિયા આપવામાં આવતા હતા જેની સામે તેમને હવે દર મહિને રૂપિય 5000 ચૂકવવામાં આવશે. આ જ રીતે માતા-પિતાને પણ જે અગાઉ 500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા તેના બદલે 5000 રૂપિયા ચૂકવવામાં આવશે.અગાઉ 50% કરતા વધુ અપંગ જવાનને પહેલા રૂપિયા 50,000 અને પછી માસિક 1000 રૂપિયાની સહાય કરવામાં આવતી હતી, જેને વધારીને શરુઆતમાં 2.50 લાખ અને માસિક 5000 રૂપિયા કર્યા છે.
પરણિત જવાન શહીદ થાય તો તેમના માતા-પિતાએ શરુઆતમાં 50,000 અને પછી માસિક 500 રૂપિયા આપવામાં આવતા હતા જેના બદલે હવે તેમને શરુઆતમાં 5 લાખ અને માસિક 5,000 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જે પુરસ્કારો માટે 3,000થી લઈને 22,000 રૂપિયા ચૂકવાતા હતા તેમાં વધારો કરીને તેને 1 લાખથી એક કરોડ સુધીના પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પરમવીર ચક્રથી સન્માનિત હોય તે જવાનને 22,000 રૂપિયા આપવામાં આવતા હતા તેની જગ્યાએ 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. અશોક ચક્રથી સન્માનિત જવાનને પણ એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે મહાવીર અઅને કીર્તિ ચક્રથી સન્માનિત જવાનોને 50-50 લાખના રોકડ પુરસ્કાર અપાશે. વીર અને શૌર્ય ચક્રથી સન્માનિત જવાનોને 25 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાશે.