ભારતમાં 2014માં મોદી સરકાર સત્તારૂઢ બન્યાં પછી છેલ્લાં 10 વર્ષમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની સર્ચ કાર્યવાહીમાં 86 ગણો તથા ધરપકડ અને સંપત્તિની જપ્તીમાં આશરે 25 ગણો ઉછાળો આવ્યો છે. એજન્સીએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ 10 વર્ષમાં રૂ.1.21 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
2005થી 2014 તથા એપ્રિલ 2014થી માર્ચ 2024 વચ્ચેના ડેટાના વિશ્લેષણમાં આ માહિતી બહાર આવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002માં ઘડવામાં હતો અને તેનો અમલ પહેલી જુલાઈ 2005થી થયો હતો.
વિપક્ષ વારંવાર આક્ષેપ કરી રહ્યાં છે કે છેલ્લા દાયકા દરમિયાન EDની કાર્યવાહી કેન્દ્ર સરકારની દમનકારી રણનીતિનો એક હિસ્સો છે. જોકે કેન્દ્ર સરકાર અને શાસક પક્ષ ભારપૂર્વક જણાવે છે કે એજન્સી સ્વતંત્ર છે અને ઇડી માત્ર યોગ્યતા પર આધારે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરે છે.
EDએ છેલ્લા દસ વર્ષમાં આશરે 5,155 પીએમએલએ કેસ દાખલ કર્યાં હતા. આની સામે 2005થી 2014 દરમિયાન 1,797 કેસ દાખલ થયાં હતાં. આમ આ સમયગાળામાં ઇડીના કેસોમાં આશરે ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. ઇડી 2014માં પ્રથમ વખત આરોપોને કોર્ટમાં સાબિત કર્યા હતાં અને અત્યાર સુધી 63 આરોપીઓને મની લોન્ડરિંગ કાયદા હેઠળ સજા થઈ છે.
EDએ 2014-2024ના સમયગાળા દરમિયાન દેશભરમાં મની લોન્ડરિંગના કેસોમાં 7,264 સર્ચ કાર્યવાહી અથવા દરોડા પાડ્યા હતા, જે અગાઉના સમયગાળામાં માત્ર 84 હતાં. આમ દરોડાની સંખ્યામાં પણ 86 ગણો ઉછાળો છે. વધુમાં ઇડીએ છેલ્લાં દાયકામાં 755 લોકોની ધરપકડ કરી છે અને આશરે 1,21,618 કરોડની કુલ સંપત્તિ જપ્ત કરી છે. આની સરખામણીમાં કોંગ્રેસના શાસન હેઠળના સમયગાળામાં 29 વ્યક્તિની ધરપકડ થઈ હતી અને રૂ.5,086.43 કરોડની સંપત્તિ જપ્ત થઈ હતી. આમ છેલ્લાં દાયકામાં ધરપકડોમાં 26 ગણો અને સંપત્તિની જપ્તીમાં 24 ગણો ઉછાળો આવ્યો છે.
એજન્સીએ છેલ્લા એક દાયકા દરમિયાન વિવિધ પ્રકારની સ્થાવર અને જંગમ સંપત્તિ માટે 1,971 કામચલાઉ જપ્તી આદેશો જારી કર્યા હતાં. આની સામે અગાઉના નવ વર્ષમાં આવા 31 ઓર્ડર જારી કર્યાં હતા. ખાસ બાબત એ છે કે છેલ્લાં એક કાયદામાં જારી કરેલા કુલમાંથી 84 ટકા આદેશોને PMLA કોર્ટે યોગ્ય ઠેરવ્યાં હતા. અગાઉના સમયગાળામાં આ પ્રમાણ 68 ટકા હતું.
ચાર્જશીટ ફાઈલ કરવામાં પણ છેલ્લા એક દાયકામાં 12 ગણો ઉછાળો જોવા મળ્યો છે. ઇડીએ આ સમયગાળામાં 1,281 કેસોમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. અગાઉના સમયગાળામાં 102 ચાર્જશીટ ફાઇલ થઈ હતી.