ભારત સરકારે સોમવારે રૂા.6 લાખ કરોડના એસેટ મોનેટાઇઝેશન પ્લાનની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (એનએમપી) રાખવામાં આવ્યુ છે અને તે ચાર વર્ષની હશે. આ મેગા પ્રોગ્રામની જાહેરાત કરતાં નાણાપ્રધાન નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે સરકાર માત્ર પૂરતો ઉપયોગ ન થતી હોય તેવી મિલકતોમાંથી નાણા ઊભા કરશે અને તેની માલિકી સરકાર પાસે રહેશે.
એસેટ્સ મોનેટાઇઝેશન મુદ્દે નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યુ કે, એસેટ મોનેટાઇઝેશનથી મૂડીગત ખર્ચમાં વૃદ્ધિ થશે અને વૈશ્વિક સ્તરની માળખાગત સુવિધાઓનું નિર્માણ થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય નવી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને આકર્ષિત કરવાનો છે. નાણાંપ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સરકાર માત્ર અંડર- યુટિલાઇઝ્ડ એસેટ્સ જ વેચશે. તેનો હક સરકાર પાસે જ રહેશે અને ખાનગી ભાગીદારોને નિર્ધારિત સમય બાદ ફરજિયાત પણે પરત કરવી પડશે.
તેમણે ઉમેર્યુ કે, અમે કોઇ જમીન વેચી રહ્યા નથી. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં બ્રાઉનફિલ્ડ એસેટ્સની વાત કહેવામાં આવી છે, જેને સારી રીતે મોનેટાઇઝ કરવાની જરૂર છે. આ એવી એસેટ્સ છે જ્યાં પહેલાથી જ રોકાણ કરવામાં આવ્યુ છે. આ એવી સંપત્તિઓ છે જે અંડર- યુટિલાઇઝ્ડ છે. ખાનગી ભાગીદારીથી અમે તેને સારી રીતે મોનેટાઇઝ કરી રહ્યા છીએ. મોનેટાઇઝેશનથી મળનાર ભંડોળથી ઇન્ફ્રાસ્ટ્રક્ચના નિર્માણ કરાશે.
નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે, રેલવે, વિજળી, પાઇપલાઇન તેમજ નેચરલ ગેસ અને સિવિલ એવિએશન, શિપિંગ પાર્ટ્સ અને વોટરવેઝ, ટેલિકોમ્યુનિકેશન, ખાદ્ય અને જાહેર વિતરણ, માઇનિંગ કોલ અને હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલયોનો સમાવેશ કરાયો છે.
આની પહેલા નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યુ કે વર્ષ 2025 સુધી નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનનો 14 ટકા હિસ્સો, રોડ, રેલવે અને પાવરમાંથી આવશે. રેલવેમાંથી 26 ટકા આવશે. રેલવે સ્ટેશન, 15 રેલવે સ્ટેડિયમ, ટ્રેન, માઉન્ટેન રેલવે વગેરે પણ વેચવામાં આવશે. તેની સાથે જ શિપિંગમાં 9 મુખ્ય બંદરો વેચવામાં આવશે. બે નેશનલ સ્ટેડિયમ પર આ યાદીમાં છે. આગામી ચાર વર્ષનો વાર્ષિક ટાર્ગેટ હશે અને રિયલ ટાઇમ મોનેટરિંગ થશે. તેની દર મહિને સમીક્ષા થશે અને ત્રિમાસિક સ્તરે મોટા અધિકારી સમીક્ષા કરશે જેથી ખાનગી ક્ષેત્રે સારી રીતે સંચાલન કરી શકે