ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની અવરજવર પણ વધી ગઇ છે. ઓક્ટોબરની મધ્યમાં ગુજરાતમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા હોવાનું જણાય છે. હાલ તો ચૂંટણીની તારીખોની વિધિસરની જાહેરાત થાય અને ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ ચૂંટણીપ્રચાર ચાલુ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી જેવા પ્રમુખ નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અથવા તો ગુજરાતની ચૂંટણીને ધ્યાને લઈને નિર્ણયો કરી રહ્યા છે. ટોચના રાજકીય નેતાઓની મુલાકાતોને ધ્યાને લઈને ગુજરાતના શહેરો અને ગામડાઓમાં
રાજનીતિક દળોના બેનરો દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે. રાજ્યમાં 15 અથવા 16 ઓકટોબરે ચૂંટણીના જાહેરનામાની શક્યતા છે અને ટૂંક સમયમાં ચૂંટણીની તારીખનું એલાન થાય તેવી અટકળો છે. ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ માટે આ ચૂંટણી મહત્ત્વની છે. જેનો હેતુ મોદીના ગૃહ રાજ્યમાં સત્તા જાળવી રાખવાનો છે. જ્યારે કોંગ્રેસ 27 વર્ષથી સત્તામાંથી બહાર રહ્યા બાદ મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જીતની આશા કરી રહી છે. બીજી તરફ આપ પાસે બે મહિનામાં થનારી ચૂંટણીમાં એક મહત્ત્વના પક્ષ તરીકે ઉભરી આવવાની તક છે. તેવામાં રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ થોડા સમય પહેલાં જ બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા અને સ્થાનિક પદાધિકારીઓ સાથે ચૂંટણી રણનીતિને લઈને ચર્ચા કરી હતી.
મોદી પણ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને રાજ્યના સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં 27,000 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કર્યું હતું. તેમણે અમદાવાદમાં મેટ્રો સેવાની પણ શરૂઆત કરાવી હતી. જ્યારેગાંધીનગરથી મુંબઈ માટે ભારતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી.આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવીને રાજ્યના વિભિન્ન હિસ્સામાં ચૂંટણી રેલીને સંબોધન કરી રહ્યા છે. આપના નેતા મનિષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા પણ ગુજરાતમાં અવરજવર કરી રહ્યા છે.
આપે રાજ્યની 182 વિધાનસભામાંથી 20 ઉપર ઉમેદવારની ઘોષણા કરી દીધી છે. આપ રાજ્યમાં ભાજપનો મુકાબલો કરવા માટે પક્ષના સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસે રાજ્યમાં ઉમેદવારોની પસંદગી માટે કમિટીઓ બનાવી છે. ચૂંટણીની વ્યૂહરચના ઉપર ચર્ચા કરવા ઉપરાંત પક્ષો ચૂંટણીની તારીખો પહેલા ઉમેદવારોની પસંદગી ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. અગાઉ મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે રાજ્યનો પ્રવાસ કર્યો હતો. જેમાં રાજ્યના અધિકારીઓ અને રાજકીય દળના પ્રતિનિધીઓની મુલાકાત કરી હતી. તેમણે ચૂંટણી કરાવવા માટે રાજ્ય પ્રશાસનની તૈયારીની સમીક્ષા કરી હતી.