પાકિસ્તાન તીવ્ર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને તેના વડાપ્રધાન વિદેશમાં જઈને લોન માગી રહ્યાં છે. જોકે હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે મિત્ર દેશો પાસે વારંવાર લોન માગવાનું તેમના માટે શરમજનક છે. બીજા દેશો પાસેથી લોન મેળવવી તે દેશના આર્થિક પડકારોનો કાયમી ઉકેલ પણ નથી.
પાકિસ્તાન આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, કારણ કે તેનો ફુગાવો 21થી 23 ટકા જેટલો ઊંચો રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (જુલાઈ-ઓક્ટોબર) દેશની રાજકોષીય ખાધમાં 115 ટકાનો વધારો થવાની શક્યતા છે.
શનિવારે લાહોરમાં એક કાર્યક્રમમાં વડા પ્રધાન શરીફે અફસોસ વ્યક્ત કર્યો કે છેલ્લા 75 વર્ષો દરમિયાન રાજકીય નેતૃત્વ હોય કે લશ્કરી સરમુખત્યારો હોય, કોઇ સરકારો આર્થિક મુદ્દાઓનો ઉકેલ લાવી શક્યા નથી. સાઉદી અરેબિયા પાસેથી પણ હવે લોન માંગતા ખરેખર શરમ આવે છે. જોકે તેમણે નાણાકીય સહાય માટે સાઉદી અરેબિયાની પ્રશંસા કરતી કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના આર્થિક પડકારોને પહોંચી વળવા માટે વિદેશી લોન લેવી એ યોગ્ય ઉપાય નથી, કારણ કે આખરે લોન પરત કરવી પડશે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને શરીફની આગેવાની હેઠળની વર્તમાન સરકાર વચ્ચે રાજકીય દુશ્મનાવટ વચ્ચે પાકિસ્તાન તેની આર્થિક અને રાજકીય સમસ્યામાં ફસાયેલું છે.
શરીફની સંયુક્ત આરબ અમીરાત (UAE)ની તાજેતરની મુલાકાત દરમિયાન, પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદે પાકિસ્તાનને વધુ 1 અબજ ડોલરની લોન આપવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાં હોય ત્યારે સાઉદી અરેબિયા અને UAE પાકિસ્તાનના બે મુખ્ય સમર્થકો તેના બચાવમાં આવે છે.
દેશ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે કારણ કે તેની વિદેશી અનામતો ઘટીને 5.8 અબજ ડોલર થઈ ગઈ છે, જે ફેબ્રુઆરી 2014 પછીની સૌથી નીચી છે. આ ફોરેક્સ રિઝર્વમાં પણ સાઉદી અરેબિયા અને ચીનની એવી 5 અબજ ડોલરની થાપણોનો સમાવેશ થાય છે કે જેના ઉપયોગ પર અનેક નિયંત્રણો છે.
રૂ.350 બિલિયનનું કુલ અર્થતંત્ર ધરાવતા પાકિસ્તાનને ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો કરવા માટે તાકીદે વિદેશી સહાયની જરૂર છે. તેની વિદેશી હૂંડિયામણની અનામતો પણ દેવાનું વ્યાજ ચુકવી શકાય તેટલી નથી.