કેરળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે 30 જુલાઈએ જે 22 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું તે મંકીપોક્સ પોઝિટિવ હતો. ભારત અને કદાચ એશિયામાં મંકીપોક્સથી આ પ્રથમ મોત છે. બીજી તરફ મંગળવારે કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો હતો, અને તેનાથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા 5 થઈ હતી. ભારતમાં મંકીપોક્સના કુલ દર્દીઓની સંખ્યા અત્યાર સુધી આઠ છે.
કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું કે, ત્રિશુરનો 22 વર્ષીય યુવક 21 જુલાઈએ ભારત પહોંચ્યો હતો. યુએઈ છોડ્યાના એક દિવસ પહેલા તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 27 જુલાઈએ તે હોસ્પિટલમાં દાખલ થયો હતો અને અહીં પરિવાર સાથે રહેતો હતો. કેરળના ત્રિશૂર જિલ્લાના આ યુવકનું શનિવારના રોજ નિધન થયુ હતું. પ્રધાને જણાવ્યું હતું કે મંકીપોક્સના લક્ષણવાળા વ્યક્તિના નિધનની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવશે. વિદેશમાં તેણે જે ટેસ્ટ કરાવ્યો તે પોઝિટિવ આવ્યો હતો. તેણે ત્રિશૂરમાં સારવારની માગ કરી હતી. સારવારમાં વાર કેમ લાગી? આ વાતની તપાસ કરવામાં આવશે. યુવકના મંકીપોક્સના કારણે થયેલા નિધનને કારણે આરોગ્યે વિભાગે પુન્નયૂરમાં બેઠક બોલાવી હતી. મૃતક યુવક કોના સંપર્કમાં આવ્યો હતો તેની યાદી તૈયાર કરવામાં આવી હતી.