• એક્સક્લુસિવ
  • બાર્ની ચૌધરી

દેશના કેટલાક સાસંદો અને નિષ્ણાતોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો આગામી સામાન્ય ચૂંટણીમાં સાઉથ એશિયન મતદાતાઓને નજરઅંદાજ કરશે તો તેમને આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડશે. પરંતુ બીજી તરફ નિષ્ણાતો કહે છે કે લેબર હાલના મતદાનમાં 20 પોઈન્ટની લીડ ધરાવે છે તે જોતાં સાઉથ એશિયન મતદારો આ સામાન્ય ચૂંટણીના પરિણામને પ્રભાવિત કરે તેવી શક્યતા નહિંવત છે.  હા, તેઓ આગામી ચૂંટણીઓમાં પોતાના મત દ્વારા થોડો ઘણો ફરક જરૂર લાવી તેમને અવગણનાર પક્ષને સજા જરૂર કરી શકે છે.

પબ્લિક પોલિસી થિંક ટેન્ક બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે “ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દર 10માંથી એક મતદાતા એશિયન છે, અને તેથી તેઓ ચૂંટણીમાં મહત્વપૂર્ણ છે. પરંતુ પોલ જોતાં આ ચૂંટણી કટોકટની લાગતી નથી. તેથી કોઈ ચોક્કસ જૂથ, એક રીતે અથવા બીજી રીતે, કદાચ ખૂબ જ મોટો તફાવત લાવશે નહીં, સિવાય કે પરિણામ ખૂબ જ અલગ હોય. પરંતુ રાજકીય પક્ષોએ હજુ પણ સાઉથ એશિયન મતદારો સાથે જોડાવું પડશે. આપણી પહેલી કે બીજી પેઢી ડાબેરી પક્ષ પ્રત્યે મજબૂત નિષ્ઠા ધરાવતી હતી, પણ મને લાગે છે કે હવે તે મોટાભાગે દૂર થઈ ગયું છે. મને લાગે છે કે લેબર પાર્ટી કદાચ ખૂબ જ ઊંચો હિસ્સો મેળવશે. તમામ પક્ષોએ મતદારોની ઉભરતી પેઢી સાથે જઈને પોતાનો પરિચય કરાવવાની જરૂર છે. યુવા સાઉથ એશિયનો અને પ્રથમ વખતના મતદારોને પક્ષોએ ધ્યાનમાં લેવાની અને સમજાવવાની જરૂર પડશે. જો કે બ્રિટિશ-ભારતીય લોકોમાં ચોક્કસપણે ગર્વની વાત છે કે ઋષિ વડાપ્રધાન બની શકે છે.”

માન્ચેસ્ટર યુનિવર્સિટીના પોલિટીકલ સાયન્સના પ્રોફેસર મારિયા સોબોલેવસ્કાએ ગરવી ગુજરાત’ને સમજાવ્યું હતું કે “અત્યાર સુધીના તમામ પુરાવા સૂચવે છે કે જે લોકો [સાઉથ એશિયનો] યુવાન છે અને બ્રિટનમાં જન્મેલા છે તેઓ વ્હાઇટ બ્રિટિશ લોકોથી લગભગ અસ્પષ્ટ છે. તેમાંના ઘણા યુનિવર્સિટીમાં જાય છે, વધુ ઉદાર છે અને તેમનામાં વધુ સહિષ્ણુ મૂલ્યો છે. તે લોકો કદાચ પેલેસ્ટાઈન સંઘર્ષ વિશે વધુ ધ્યાન આપતા હોય છે. જે મુદ્દાઓ સાઉથ એશિયન મતદારોને અસર કરે છે તે જ વ્હાઇટ લોકોને અસર કરે છે. મુખ્ય પરિબળ દેશની અર્થવ્યવસ્થા, જીવન ખર્ચની કટોકટી અને NHS છે. 2005માં ઇરાક યુદ્ધના કારણે વિમુખ થયેલા મુસ્લિમ મતદારો 2010માં તેમના પરંપરાગત રાજકીય પક્ષ, લેબર તરફ પાછા વળ્યા હતા. પરંતુ આ વખતે, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન [હમાસ] વચ્ચેનું યુદ્ધ મતદાન અને સમર્થનને અસર કરી શકે છે.’’

ભૂતપૂર્વ લેબર સાંસદ, જ્યોર્જ ગેલોવેએ, વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટનના બેનર હેઠળ તાજેતરમાં રોશડેલની પેટાચૂંટણીમાં લગભગ 6,000 મતોથી જીત્યા બાદ કહ્યું હતું કે “કેર સ્ટાર્મર, આ ગાઝા માટે છે.”

વેસ્ટ મિડલેન્ડ્સની મેયરની રેસમાં પેલેસ્ટાઈન તરફી ટિકિટ પર લડેલા અપક્ષ ઉમેદવાર અખ્મદ યાકુબે લગભગ 70,000 મત મેળવ્યા હતા. વિવેચકો માને છે કે આ મત લેબરના હશે જે પક્ષે વર્તમાન સંઘર્ષમાં કાયમી યુદ્ધવિરામને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો.

સોબોલેવસ્કાએ કહ્યું હતું કે “મુસ્લિમ મતદારો વિશ્વભરના અન્ય મુસ્લિમો સાથે સમુદાય અને સમાનતાની આ ભાવના ધરાવે છે. જે વૈશ્વિક સ્તરે મુસ્લિમોને નુકસાન પહોંચાડે છે તેવું માનવામાં આવે છે. ગેલોવે-પ્રકારના ઉમેદવારો વધુ સક્ષમ હશે તો લેબરની કેટલીક બેઠકો ઓછી કરશે. અપક્ષ ઉમેદવારો મજબૂત હશે તો મને લાગે છે કે કેટલીક બેઠકો ખરેખર પ્રભાવિત થશે.’’

બ્રિટિશ-ભારતીયો દ્વારા ટોરી પાર્ટી તરફના સમર્થનમાં પણ પરિવર્તન આવ્યું છે. 2019માં, ગરવી ગુજરાતમાં અહેવાલ પ્રકાશીત થયો હતો જેમાં કહેવાયું હતું કે ‘’કેવી રીતે બ્રિટિશ-હિન્દુઓએ સોસ્યલ મિડીયામાં જાહેર કર્યું હતું કે કોઈ પણ સ્વાભિમાની હિંદુએ લેબરને મત આપવો જોઈએ નહીં. 2021માં બેટલી અને સ્પેનની પેટાચૂંટણીમાં જૉન્સન અને મોદીને હાથ મિલાવતા દર્શાવતી પત્રિકામાં “વિભાજનકારી” અને “ભારત વિરોધી” લખાતા વિવાદ થયો હતો.

ચેન્જિંગ યુરોપમાં યુકેના ડિરેક્ટર પ્રોફેસર આનંદ મેનને ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે, “ભારતીય હિંદુઓ લેબરથી દૂર ગયા છે અને જેરેમી કોર્બીનની લેબર પાર્ટીએ કાશ્મીરની આઝાદી અંગેનો ઠરાવ પસાર કર્યા પછી તેણે વધુ જોર પકડ્યું હતું. વિદેશ નીતિના મુદ્દાઓએ અહીં લઘુમતીઓના રાજકીય વલણને આકાર આપવાનું શરૂ કર્યું છે. હાલમાં તેમને કન્ઝર્વેટિવ પાર્ટી પરંપરાગત રીતે કરતા વધુ આકર્ષક લાગે છે. પરંતુ લેબર ઇમિગ્રેશન પર વધુ ઉદાર હોવાથી સાઉથ એશિયનો લેબર તરફી હતા. હવે કન્ઝર્વેટિવ પાર્ટી જાણે કે ભારતીય બની ગઈ છે અને કન્ઝર્વેટિવ પાર્ટી ભારતીય ઈમિગ્રેશનમાં પ્રચંડ વધારા માટે જવાબદાર છે.”

વરિષ્ઠ કન્ઝર્વેટિવ સૂત્રએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’ઋષિ સુનકના સલાહકારો યુકેમાં સાઉથ એશિયન ડાયસ્પોરાને સમજી શક્યા નથી. મોટાભાગના સાઉથ એશિયન સાંસદોથી વિરૂધ્ધ સુનકે ક્યારેય એ વાત કરતા ડર્યા નથી કે તેમને પોતાના વારસા પર કેટલો ગર્વ છે અને પોતે એક હિંદુ છે. પરંતુ આ “ઋષિ પરિબળ” આ ચૂંટણીમાં વધુ ઉપયોગી થશે નહીં.‘’

એક સંસદસભ્યએ કહ્યું હતું કે “સુનક મુખ્યત્વે વ્હાઇટ સલાહકારોથી ઘેરાયેલા છે જેમને સાઉથ એશિયાના લોકો મળતા નથી. મતદારોના આ મહત્વપૂર્ણ વિભાગને અવગણીને તેમણે બોટ અને ઇમિગ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરતા તેઓ ‘એશિયન પ્રીમિયમ’ને કેશ કરી શકશે નહીં. અમારી પાસે પક્ષમાં કેટલાક અપ્રગટ રેસીસ્ટ છે જેઓ વંશીય લઘુમતી સાંસદોનો કવર તરીકે ઉપયોગ કરે છે.”

અન્ય એક ટોરી સ્ત્રોતે જણાવ્યું હતું કે ‘’સુનકનો ચૂંટણી યોજવાનો નિર્ણય પાર્ટી માટે “મોટા આશ્ચર્ય” સમાન છે. અમે સપ્ટેમ્બરમાં પાર્ટી કોન્ફરન્સમાં તેની જાહેરાત થાય અને PM બન્યાના બે વર્ષ પછી નવેમ્બરમાં ચૂંટણીની અપેક્ષા રાખતા હતા. અર્થતંત્ર વધુ સારું થાય, વ્યાજ દરમાં તથા જેરેમી હન્ટ કરમાં ઘટાડો કરી શક્યા હોત.’’

લેબરના ખાલિદ મહમૂદે ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘’હું એશિયન વોટને નજરઅંદાજ કરતો નથી. બર્મિંગહામ પેરી બારની સીટ 2019માં 13,000થી વધુની બહુમતી સાથે ફરીથી જીતી હતી. આજે માનવ અધિકારોના સંબંધમાં ઘણી બધી સમસ્યાઓ છે. મને લાગે છે કે [નરેન્દ્ર] મોદી, ભારતમાં મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ છે, અને કાશ્મીર મુદ્દો હજુ પણ ચાલુ છે. અલબત્ત, (લેબરે) ગાઝા યુદ્ધવિરામનો મુદ્દો નકારી કાઢ્યો હતો. ખાસ કરીને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ બાબતે અમે જે કર્યું છે તેના રેકોર્ડ પર ઊભા રહેવામાં અમે ખૂબ જ ખુશ છીએ. ડેવિડ લેમી [શેડો ફોરેન સેક્રેટરી] એ જે વલણ અપનાવ્યું છે તે દર્શાવે છે કે લેબર એવો પક્ષ છે જેના પર માનવાધિકાર અને નાગરિક સ્વતંત્રતાના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિશ્વાસ કરી શકાય છે. અમારી પાસે સાઉથ એશિયન મૂળના લોકોને ઓફર કરવા માટે વધુ છે.’’

2015થી બ્રેડફર્ડ વેસ્ટના વર્તમાન લેબર સાંસદ તરીકે સેવા આપતા નાઝ શાહની બહુમતી ગઇ ચૂંટણીમાં 27,000થી વધુ હતી. તેમણે કહ્યું હતું કે “60 ટકા મુસ્લિમો 40 ટકા સૌથી વંચિત વિસ્તારોમાં રહે છે, અને આ પ્રકારના આંકડા ખરેખર ચિંતાજનક છે. લેબર હવે ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામનું સમર્થન કરે છે.’’

LEAVE A REPLY