તા. 9ને બુધવારે સાંજે લંડનની પાર્ક પ્લાઝા વેસ્ટમિન્સ્ટર હોટેલ ખાતે 33મા એશિયન ટ્રેડર એવોર્ડનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાય ગ્રોસરી ક્ષત્રે સફળતા મેળવનાર ખાસ નોમિનેટ કરાયેલા મહાન શોપકીપર્સની સિદ્ધિઓની સરાહના કરી તેમને પ્રતિશ્ઠીત એવોર્ડ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી શ્રી કેવિન હોલિનરેક મુખ્ય અતિથિ તરીકે તથા અગ્રણી સપ્લાયર્સ, ઉત્પાદકો અને જથ્થાબંધ વિક્રેતાઓ રિટેલ ક્ષેત્રની શ્રેષ્ઠ સફળતાની ઉજવણી કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોથી ભરચક પ્લાઝા બૉલરૂમમાં ઉપસ્થિત મહેમાનોમાં ડૉન બટલર, એમપી અને બ્રેન્ટ કાઉન્સિલના નેતા મુહમ્મદ બટ્ટ જેવા રાજકારણીઓ ઉપરાંત યુકેના ઘણા અગ્રણી ઉત્પાદકો અને સપ્લાયર્સના એક્ઝિક્યુટિવ્સ અને નેતાઓ જેવા કે બેસ્ટવે હોલસેલના એમડી દાઉદ પરવેઝ સીરિયલ પાર્ટનર્સ વીપી નિકોલસ વાહલી, બ્રિટિશ અમેરિકન ટોબેકોના બિઝનેસ ડેવલપમેન્ટના વડા મુસ્તફા ઝૈદી, તાજેતરમાં હોવીસ plc ના CEO પદેથી રાજીનામું આપી સ્ટેપડાઉન થનાર અને હવે જ્હોન લુઈસ પાર્ટનરશિપના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિશ કાંકીવાલા, સનટોરી બેવરેજ એન્ડ ફૂડના સેલ્સ ડિરેક્ટર અલ્પેશ મિસ્ત્રી અને સ્પોન્સર સનમાર્ક લિમિટેડના જનરલ મેનેજર મોહન ખુરાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમી સાંજનો ટોચનો એવોર્ડ – ‘એશિયન ટ્રેડર ઓફ ધ યર 2022 એવોર્ડ’ સ્કોટિશ ઇન્ડિપેન્ડન્ટ રિટેઇલર એવોર્ડ શામલી સુદને એનાયત કરાયો હતો. તેણીના ફ્લેગશિપ રેસટ્રેક પીટસ્ટોપ પ્રીમિયર સ્ટોરને શ્રેષ્ઠ સ્થળમાં પરિવર્તિત કરવાની સિદ્ધિ અને તેના વતન સ્ટ્રેથક્લાઇડની આસપાસના ઘણા માઇલમાં વસતા ગ્રાહકોને આકર્ષવાની કુનેહ બદલ આ એવોર્ડ મળ્યો હતો. તેણીને વેપારના વિકાસમાં ઇન્ફ્લેક્સન બિંદુ તરીકે ઓળખવામાં આવી હતી. શામલી હવે 11 સ્ટોર્સ ચલાવે છે અને વધુ ખોલવાની તેની યોજના છે. તેમની પોતાની ઇન-સ્ટોર કન્સેશન્સ ફ્રેન્ચાઇઝી પણ છે.
ટીવી કોમેડિયન મેટ ફોર્ડે આપણે જે ઐતિહાસિક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનો ઉલ્લેખ કરી કાર્યક્રમની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે “આપણી રાજનીતિમાં થયેલી મોટી ઉપલબ્ધિને આપણે ઓળખવી જોઈએ, જેમાં ઋષિ સુનક વડાપ્રધાન બન્યા છે, જેઓ લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી પ્રથમ બ્રિટીશ વડાપ્રધાન છે.” તેમણે કંપનીના સ્થાપક સ્વર્ગસ્થ રમણીકલાલ સોલંકી CBEના ધર્મપત્ની અને બે મહિના અગાઉ સ્વર્ગવાસી થયેલા એશિયન મીડિયા ગ્રૂપના સહસ્થાપક પાર્વતીબેન સોલંકીને શ્રદ્ધાંજલિ આપી હતી.
એશિયન ટ્રેડર મેગેઝિનના ગ્રોસરી ઇન્ડસ્ટ્રીના ટોચના કલેક્શન માટેની આ વર્ષની સ્પર્ધા પહેલા કરતાં વધુ તીવ્ર રહી હતી. જેમાં નિર્ણાયકોને વિજેતાની પસંદગી કરવામાં મુશ્કેલી પડી હતી. અન્ય પ્રોડક્ટ કેટેગરીના વિજેતાઓમાં કન્ફેક્શનરી માટે મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ, પેપ્સિકોને તેમના કુરકુરે એશિયન સ્નેક માટે અને CCEPને તેમના રિલેંટલેસ ઝીરો સુગર ડ્રિંક માટે એવોર્ડ એનાયત કરાયા હતા.
આ ઉપરાંત એવોર્ડ વિજેતા રિટેલર્સ અને હોલસેલ રીટેઇલર્સમાં શેફિલ્ડની કેશ એન્ડ કેરી ડેપો પરફેટ્સમે ‘હોલસેલ ડેપો ઓફ ધ યર’ એવોર્ડ; રામ સોલંકી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બુકરના સ્ટીવ કીલને આપવામાં આવ્યો હતો. વેસ્ટ મિડલેન્ડમાં વોલ્સૉલના રિટેલર અમૃત સિંઘને પ્રતિષ્ઠિત ‘સ્પિરિટ ઓફ ધ કોમ્યુનિટી એવોર્ડ’; કેમ્બ્રિજશાયરના MSP નોબલ ગ્રૂપને જયસીલન થમ્બીરાજાને ‘કન્વીનીયન્સ ચેઇન ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો.
કન્વીનીયન્સ ચેનલ દ્વારા આલ્કોહોલ કેટેગરીમાં રીટેઇલ વેચાણમાં અદ્ભુત પ્રગતિ બદલ 2022 માટેનો નવો એવોર્ડ, ‘ઑફ-લાઈસન્સ ઑફ ધ યર’ એવોર્ડ નેહા ફોગટને અપાયો હતો.
મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી સેક્રેટરી કેવિન હોલીનરેકે જણાવ્યું હતું કે “એસ્ટેટ એજન્ટમાંથી રાજકારણી બન્યા બાદ હું એવા થોડા લોકોમાંનો એક છું કે જેમણે રાજકારણમાં પ્રવેશ કરી સામાજિક સ્થિતિમાં સુધારો કર્યો છે.”
તેમના પ્રભાવશાળી મુખ્ય વક્તવ્યમાં હોલિનરેકે સ્વ. પાર્વતીબેન સોલંકીને “સમુદાયની સાચી ભાવના અને શબ્દના દરેક અર્થમાં એક વાસ્તવિક અગ્રણી” તરીકે ઓળખાવી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ઋષિ સુનકને દેશ ચલાવવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે અને બુદ્ધિ તથા પ્રતિભા સાથે બ્રિટિશ રાજકારણમાં પ્રવેશનાર સૌથી પ્રતિષ્ઠિત લોકોમાંના એક વર્ણવ્યા હતા.
હોલિનરેકે અપરાધ, એનર્જી કોસ્ટ અને બિઝનેસ રેટ્સના વધતા સ્તર અંગે ઇન્ડિપેન્ડન્ટ રિટેલરો માટે સહાનુભૂતિ દર્શાવી આશા વ્યક્ત કરી હતી કે “હવે, આખરે, આપણે એક એવા સમયગાળા તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં અમે નિશ્ચિતતા અને સ્થિરતા પ્રદાન કરી શકીએ છીએ. સરકાર અને બિઝનેસીસે ઘણું કરવાનું છે, અને અમે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે હું તમારા સેક્ટરના નિર્ધાર અને સ્થિતિસ્થાપકતા અને નવીનતા પર આધાર રાખી શકું છું. નાનો બિઝનેસ એ ગતિશીલ, ઉત્પાદક અર્થવ્યવસ્થાનો પાયો છે જે રોજગારીનું સર્જન કરે છે અને ઉપભોક્તા માટે વિશાળ લાભ લાવે છે.”
યોગાનુયોગ આ વર્ષે એવોર્ડનું આયોજન એએમજી ગ્રૂપના મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકીના જન્મદિવસે કરાયું હતું. જેમાં રેસિડેન્ટ બેન્ડે તેમને સ્ટેજ પર હેપ્પી બર્થ ડે ગીત ગાઇ શુભેચ્છાઓ પાઠવી હતી.
પોતાની માતા અને મહારાણીના એક જ દિવસે થયેલા નિધન અને તે બન્ને મહિલાઓના જીવન દરમિયાન થયેલા વિકાસ અને પરિવર્તનને એક સાથે જોડતા શ્રી કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે “રાણીના શાસનના વર્ષોમાં બ્રિટન એક દયાળુ, સૌમ્ય અને મુક્ત સમાજ બની ગયું છે. આપણે વધુ સહિષ્ણુ અને આવકારદાયક સમાજ છીએ અને મારા માતા-પિતાની પેઢી વખતે વ્યાપ્ત ખુલ્લો જાતિવાદ મોટાભાગે હવે અદૃશ્ય થઈ ગયો છે. જો કે ભેદભાવ અને પૂર્વગ્રહમુક્ત વધુ સમાન સમાજ બનાવવા માટે આપણે હજુ ઘણું કરવાનું બાકી છે, આપણા દેશમાં એકતા અને સમુદાયની ભાવના ઊંડી છે.”
કલ્પેશે રોગચાળા દરમિયાન ઇન્ડિપેન્ડન્ટ રિટેલરો દ્વારા આપવામાં આવેલા મહાન યોગદાનની વાત કરી, તેમને “એકતાનું હૃદય” તરીકે વર્ણવ્યું હતું. પરંતુ આ સરાહના કરતાં સેક્ટરનો સામનો કરી રહેલી નવી સમસ્યાઓ – જીવન-નિર્વાહની કટોકટી, વધારાના નિયમન અને રેડ ટેપ, ફરજો અને જવાબદારીઓ, જેમ કે HFSS અને DRS યોજનાઓ ટૂંક સમયમાં સ્કોટલેન્ડમાં રજૂ કરવામાં આવશે. ઘણા સ્થાનિક સત્તાવાળાઓ પાર્કિંગના વધુ પ્રતિબંધો, ઓછા ટ્રાફિક, નેઇબરહૂડ અને સાયકલ લેન લાવી હાઈ સ્ટ્રીટ પર ખરીદી કરવાનું મુશ્કેલ બનાવીને અવરોધો ઉભા કરવાનું ચાલુ રાખે છે.”
શ્રી કલ્પેશ સોલંકીની પુત્રી શ્રીમતી શેફાલીએ ચેરિટી અપીલ રજૂ કરી હતી, જેને એવોર્ડ સમારોહમાં આવતા મહેમાનો હંમેશા ખૂબ જ ઉદારતાથી પ્રતિભાવ આપે છે. આ વર્ષે હેમરસ્મિથ હોસ્પિટલમાં કામ કરતા ડો. જીરી પાવલુના ઈમ્પીરીયલ કોલેજના કેન્સરની બીમારીના સંશોધનમાં મદદ કરવા માટે ચેરીટી અપીલ કરાઇ હતી. ડૉ. પાવલુ જે દર્દીઓની સારવાર કરે છે તેમાં શેફાલીના દાદી પાર્વતીબેનનો પણ નો પણ સમાવેશ થાય છે જેમને એક્યુટ માયલોઇડ લ્યુકેમિયાની બીમારી હતી.