વડા પ્રધાન ઋષિ સુનકના કન્ઝર્વેટિવ પક્ષે લેબર નેતાઓ કરતાં સાઉથ એશિયન બિઝનેસ લીડર્સ અને કંપનીઓ પાસેથી વધુ અર્થિક ભંડોળ મેળવ્યું છે. અગ્રણી ઉદ્યોગપતિ અને ઈન્ડોરમા વેન્ચર્સના ડિરેક્ટર 48 વર્ષીય અમિત લોહિયાએ શાસક પક્ષને £2 મિલિયનનું દાન આપ્યું છે. યુકેના રાજકીય પક્ષોએ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ મળીને £20,887,106 દાન અને જાહેર ભંડોળમાં સ્વીકાર્યા હતા. આ રકમ 2022ના જાન્યુઆરીથી માર્ચના સમાન સમયગાળામાં મળેલ £12,792,415ના દાન કરતાં વધુ હતી.
ચૂંટણી પંચ દ્વારા તા. 8ના રોજ પ્રકાશિત કરાયેલા ડેટા દર્શાવે છે કે ટોરીઝ માટે સૌથી મોટા વ્યક્તિગત એશિયન દાતા તરીકે અમિત લોહિયા ઉભરી આવ્યા છે. તો બીજી તરફ
વ્રજ પાનખણીયા અને તેમના પુત્રો સુનીલ અને કમલ, લોર્ડ રામી રેન્જર, મલિક કરીમ, ડૉ. સેલ્વનાયાગામ પંકાયાચેલવન જેવા અગ્રણી ઉદ્યોગપતિઓએ વ્યક્તિગત રીતે અથવા તેમના બિઝનેસીસ દ્વારા ટોરીઝને મોટું દાન આપ્યું છે.
તેનાથી વિપરિત, ટેક હોલસેલર જો હિમાનીએ આ વર્ષે જાન્યુઆરી 1 થી માર્ચ 31 સુધીમાં લેબરને £50,000ના બે દાન આપ્યા છે. લોર્ડ વાહીદ અલીએ લેબરને £25,200 કરતાં વધુ મૂલ્યનું દાન આપ્યું હતું.
અમિત લોહિયાના પિતા એસપી લોહિયાએ અગ્રણી કેમિકલ કંપની ઈન્ડોરમાની સ્થાપના કરી હતી અને ઈસ્ટર્ન આઈના એશિયન રિચ લિસ્ટ 2023માં પરિવારની સંપત્તિ £8.8 બિલિયન હોવાનો અંદાજ છે.
ઉચ્ચ શિક્ષણમાં રસ ધરાવતા અને વંચિત પૃષ્ઠભૂમિના લોકોને મદદ કરતા પંકાજચેલવનના રીજન્ટ ફેમિલી ઓફિસ દ્વારા £125,000 અને અન્ય £11,300 નું દાન આપ્યું હતું. તો રવિન્દર એસ ગીદારે ટોરીઝને £10,000 આપ્યા હતા. પાંખાનિયા પરિવાર દ્વારા સ્થપાયેલ વેસ્ટકોમ્બ હોમ્સ લિમિટેડએ £125,000 અને £11,300ના બે દાન આપ્યા હતા.
વડા પ્રધાન સુનાકના સમર્થક લોર્ડ રેમી રેન્જરની R&R એસેટ મેનેજમેન્ટ તરફથી £5,000 ઉપરાંત £10,000ના બે દાન ટોરીઝને મળ્યા છે. તો લોર્ડ રેન્જરે £6,850 અને £3,428નું વધુ વ્યક્તિગત દાન આપ્યું છે. ભૂતપૂર્વ ટોરી પાર્ટી ટ્રેઝરર, ફેન્ચર્ચ એડવાઇઝરી પાર્ટનર્સ LLP એ કન્ઝર્વેટિવ્સને £30,000 આપ્યા હતા.
ઓરપિંગ્ટન સ્થિત હેલ્થ ટેક ફર્મ પ્રેનેટિક્સ EMEA લિમિટેડના ડિરેક્ટરો સથીજીવન નિર્મલાનંથન અને ડૉ. બાયજુ અશ્વિન ઠાકરે ટોરીઝને £25,000 આપ્યા છે. તો આઇટી ફર્મ ફીનિક્સ (લીડ્સ) પાર્ટનરશિપના ડિરેક્ટર સતવિન્દર સિંઘ વિર્કે ટોરીઝને £11,300 આપ્યા હતા.
પાર્ટીના ખજાનામાં દાન આપનાર એશિયન ડિરેક્ટરોની અન્ય કંપનીઓ એડવિનિયા હેલ્થકેર (£10,000); TFS બાઇંગ લિમિટેડ (£12,500) અને વેસ્ટ એન્ડ મેડિકલ પ્રેક્ટિસ (£11,930)એ દાન આપ્યું છે. એડવિનિયાની સ્થાપના ડૉ. સંજીવ કનોરિયા અને તેમની પત્ની સંગીતા દ્વારા કરાઇ હતી, જ્યારે સંજય વડેરા TFS બાઇંગમાં CEO છે, જ્યાં તેમના ભાઈ વિપુલ ડિરેક્ટર છે. બિલાલ અશરફ ચોહાન, જમાલ અશરફ ચોહાણ અને ડૉ. મોહમ્મદ અશરફ ચોહાન વેસ્ટ એન્ડ મેડિકલ પ્રેક્ટિસ ચલાવે છે. હોટલ ચલાવતા વેલેરી મેનેજમેન્ટના રાજીવ ધીરેન્દ્ર નથવાણીએ ટોરીઝને £10,170 અને £5,000ના બે દાન આપ્યા હતાં.
તમિલ્સ ફોર લેબરે £25,900નું લેબર પક્ષને દાન આપ્યું હતું. કરીમ પોલ નાખલા અને સુસાન એલિઝાબેથ નાખલાની રોકટેલ સર્વિસીસ લીમીટેડે લેબરને £52,790નું દાન આપ્યું હતું. ચેશાયર સ્થિત રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ફર્મ વિનર્સ પ્રોપર્ટી લિમિટેડના ડિરેક્ટર્સ નીલમ બટ્ટ, એલિનોર મેયર ચોહાન અને મોહસીન પરવેઝ ચોહાને £10,000 આપ્યા છે.
લિબરલ ડેમોક્રેટ્સને દાતાઓમાં રમેશ દીવાન (£8,540) અને સુધીર ચૌધરી (£2,000)એ પણ દાન આપ્યા છે.
ચૂંટણી પંચના રેગ્યુલેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ડિરેક્ટર, લુઈસ એડવર્ડ્સે કહ્યું હતું કે “રાજકીય પક્ષોને કેવી રીતે ભંડોળ આપવામાં આવે છે તેની મતદારોને ખબર પડે તે માટે અમે આ દાનની વિગતો પ્રકાશિત કરીએ છીએ. અમે જાણીએ છીએ કે પાર્ટી અને કેમ્પેઇનર ફાઇનાન્સની પારદર્શિતા લોકો માટે મહત્વપૂર્ણ છે, પરંતુ અમારું સંશોધન જણાવે છે કે માત્ર 24 ટકા લોકો માને છે કે પાર્ટી ફંડિંગ પારદર્શક છે. અમે યુકે સરકારને ભલામણ કરીએ છીએ કે તે સિસ્ટમમાં સુધારો કરે, જેઓ કાયદાને ટાળવા માગે છે તેમનાથી પક્ષોને બચાવવામાં મદદ કરે અને મતદારોને વધુ વિશ્વાસ અપાવે.”