બ્રિટનના 101 સૌથી ધનિક સાઉથ એશિયનોને દર્શાવતા એશિયન રિચ લિસ્ટ 2022માં £790 મિલિયનની અંદાજિત સંપત્તિ સાથે યાદીમાં 17મા ક્રમે સ્થાન મેળવીને વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ તેમની શરૂઆત કરી છે. આ યાદીમાં 2021 કરતાં એક વધુ મળીને કુલ 16 બિલીયોનેર છે. પાછલા વર્ષોની જેમ જ હિન્દુજા પરિવાર £30.5 બિલિયનની સંપત્તિ સાથે રેન્કિંગમાં સૌથી ટોચ પર છે, ત્યારબાદ લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય (£12.8 બિલિયન); શ્રી પ્રકાશ લોહિયા અને પરિવાર (£8.8 બિલિયન) અને નિર્મલ સેઠિયા (£6.5 બિલિયન)નો નંબર આવે છે.
ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ દ્વારા પ્રકાશિત એશિયન રિચ લિસ્ટ 2022માં આ વર્ષે અસડાના માલિક અને બ્લેકબર્નના બિલીયોનેર ભાઈઓ ઝુબેર અને મોહસિન £4.75 બિલિયનની સંપત્તી સાથે છઠ્ઠા ક્રમે અને ડિસ્કાઉન્ટ રિટેલર B&M ના સાઇમન અરોરા અને તેમના ભાઈઓ બોબી અને રોબિન £2.6 બિલિયનની સંપત્તી સાથે યાદીમાં સાતમા સ્થાને છે.
ફાયનાન્સર સાયરસ વાંદરેવાલા અને તેમની પત્ની પ્રિયા, હોલસેલર (£2.4 બિલિયન); હોલસેલર બેસ્ટવેના સર અનવર પરવેઝ અને તેમનો પુત્ર દાઉદ (£1.9 બિલિયન) અને હોટેલિયર જસ્મિંદર સિંઘ અને તેમનો પરિવાર (£1.5 બિલિયન) યુકેના ટોચના 10 સૌથી ધનાઢ્ય બ્રિટિશ એશિયનોમાં છે.
યુકે અને વિશ્વમાં આર્થિક હાલત ખરાબ હોવા છતાં, 101 સૌથી ધનિક એશિયનોની સંયુક્ત સંપત્તિ વધીને £113 બિલિયન થઈ ગઈ છે, જે 2021માં £98.6 બિલિયન અને 2020માં £82 બિલિયન હતી.
એશિયન રિચ લિસ્ટના એક્ઝિક્યુટિવ એડિટર શૈલેષ સોલંકીએ કહ્યું, “આ વર્ષનું એશિયન રિચ લિસ્ટ ફરી એકવાર એશિયન સાહસિકોની નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. ખૂબ જ પડકારજનક આર્થિક વાતાવરણ હોવા છતાં, અમે અમારા લિસ્ટમાં ઉદ્યોગસાહસિકોની કુલ સંપત્તિની નોંધપાત્ર પ્રશંસા જોઈ છે. આ વર્ષે 101 અગ્રણીઓની કુલ સંપત્તિ £113 બિલિયનની ટોચે પહોંચી છે. અમારી યાદી યુકેમાં એશિયન બિઝનેસીસની સફળતા દર્શાવે છે અને આજે બ્રિટિશ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શે છે તેવા સમૃદ્ધ બિઝનેસીસના નિર્માણમાં તેમની અસાધારણ વાર્તા કહે છે. તેમની પ્રેરણાદાયી વાર્તાઓ દર્શાવે છે કે અવિરત ડ્રાઇવ, ઊર્જા અને ધ્યાન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે.’’
સેન્ટ્રલ લંડનમાં એક ગાલા ડિનરમાં તા. 23ના રોજ બુધવારે એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં એશિયન રિચ લિસ્ટના નવીનતમ સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે આ યાદીમાં સમાવાયેલા ઘણા પ્રોફેશનલ સ્ત્રી-પુરુષો હાજર હતા.
સમરની શરૂઆતમાં ટોરી પાર્ટીના નેતૃત્વની ચૂંટણી દરમિયાન પોતાના પરિવારની સંપત્તિ માટે ટીકાનો સામનો કરનાર સુનકે તે સમયે ગરવી ગુજરાતને કહ્યું હતું કે, “આપણા દેશમાં ખરેખર લોકો તમને તમારા ચારિત્ર્ય અને તમારા કાર્યો દ્વારા નક્કી કરે છે, તમારામાં શું છે તેના આધારે નહીં કે બેંક એકાઉન્ટના આધારે. અને લોકો જોઈ શકે છે કે મેં શું કર્યું છે. તેમણે મને છેલ્લા અઢી વર્ષમાં એક ખૂબ જ મુશ્કેલ સમયગાળામાંથી ચાન્સેલર તરીકે જોયો છે. ખાસ કરીને જેમને ખરેખર મદદની જરૂર હતી તેમને મેં આપ્યું છે. મારી પાસે જે છે તેના માટે હું સખત મહેનત કરું છું. અને મને તેનો ગર્વ છે. આપણી પાસે એવો દેશ હોવો જોઈએ જે એવા લોકોને ટેકો આપે અને તેની સરાહના કરે છે જેઓ સખત મહેનત કરી રહ્યા છે અને તેમના અને તેમના બાળકો માટે સારા જીવનનું નિર્માણ કરી રહ્યા છે. તે જ કોન્ઝર્વેટીવ મૂલ્યો છે અને તે દરેક પ્રકારની આકાંક્ષાને સમર્થન આપે છે.’’
સુનકના પત્ની અક્ષતાનું ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગ આશરે £700 મિલિયન હોવાનો અંદાજ છે.
વેપારી વર્ગમાં ઇસા ભાઈઓની સંપત્તિમાં £3.15 બિલિયન; હિન્દુજા પરિવારની સંપત્તીમાં £3 બિલિયન; લોહિયા અને પરિવારની સંપત્તિમાં £4 બિલિયન; અનિલ અગ્રવાલની સંપત્તિમાં £600 મિલિયન; સેઠિયાની સંપત્તિમાં £500 મિલિયન અને લોર્ડ પોલની સંપત્તિનાં £350 મિલિયનનો વધારો થયો છે. જ્યારે આર્સેલર મિત્તલ ચલાવતા મિત્તલ પરિવારની સંપત્તિમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે £1.4 બિલિયનનો ઘટાડો થયો હતો. જોકે, મિત્તલના બનેવી એસપી લોહિયાની કંપની ઈન્ડોરામાને યુક્રેન સંઘર્ષને કારણે ખાતરના વધતા ભાવનો ફાયદો થયો છે.
ઓનલાઈન ફેશન રિટેલર – બૂહૂના મહમુદ કામાનીની સંપત્તિ 2021ની £1 બિલિયનથી ઘટીને 2022માં £600 મિલિયન થઇ હતી. રણજીત બોપારણ અને તેની પત્ની બલજિંદરની સંપત્તિ 2021ની £750 મિલિયનથી ઘટીને £475 મિલિયન થઇ હોવાનો અંદાજ છે.
રોગચાળા દરમિયાનના બહુવિધ લોકડાઉન, સમરના વિઝા બેકલોગ અને મોંઘવારીએ હોસ્પિટાલિટી ઉદ્યોગને સખત અસર કરી હોવા છતાં જસ્મિન્દર સિંઘની લંડનના લેસ્ટર સ્ક્વેરમાં આવેલી નવી વૈભવી હોટેલ ‘ધ લંડનર’માં 100 ટકા ઓક્યુપન્સી રહે છે. શરૂઆતમાં આશરે £350 મિલિયનના ખર્ચ સામે £500 મિલિયનનો ખર્ચ કરાયો છે.
અન્ય હોટેલિયર, સુરિન્દર અરોરા, ખરાબ આર્થિક વાતાવરણ છતાં બહુવિધ સાહસોમાં વ્યસ્ત છે. તેમણે તાજેતરમાં હર્ટફર્ડશાયર અને બેડફર્ડશાયરની બોર્ડર પર લક્ઝરી હોટેલ અને ગોલ્ફ કોર્સ સાથેની 1,100 એકરની ઐતિહાસિક લુટન હૂ એસ્ટેટ ખરીદી છે. તો લંડનમાં નોર્થોલ્ટ એરપોર્ટની સામે, હેઇઝમાં 34 એકર જમીન સાથેની C&L કન્ટ્રી ક્લબ તથા ક્રૉલી, સસેક્સમાં કાઉન્ટી મોલ શોપિંગ સેન્ટર ખરીદ્યું છે. તો જર્મનીના ડબલિન એરપોર્ટ ખાતે નવી હોટેલ બનાવી રહ્યા છે.
બ્રિટનના સૌથી ધનાઢ્ય એશિયનોએ ઇન્ડસ્ટ્રી, IT, હોસ્પિટાલિટી, કેરહોમ્સ, ફાર્મસી, ફેશન, ટ્રાવેલ અને ફાઇનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સંપત્તિ બનાવી છે.
નવા પ્રવેશેલા અલીમ જાનમોહમ્મદ ડેમીપાવર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે અને £345 મિલિયનની સંપત્તિ સાથે 46નો રેન્ક ધરાવે છે. તેઓ હાલમાં યુકેમાં બીજા નંબરની સૌથી મોટી KFC ફ્રેન્ચાઇઝી ધરાવે છે અને 117 KFC રેસ્ટોરન્ટ્સ ચલાવે છે.
£300 મિલિયનની સંપત્તિ સાથે રેન્ક 54 ધરાવતા ક્વીન્સવે ગ્રૂપના નૌશાદ જીવરાજ મોટાભાગે હોટેલ્સ, કોફી શોપ્સ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સનો પોર્ટફોલિયો ધરાવે છે. તો 225 મિલિયનની સંપત્તિ સાથે રેન્ક 61 પર બિરાજતા બ્રિટિશ પાકિસ્તાની રાજા આદિલ આદિલ ગ્રુપ નામ હેઠળ બર્ગર કિંગ, કેએફસી, કોસ્ટા કોફી, ટાકો બેલ અને એનિટાઇમ ફિટનેસની ફ્રેન્ચાઇઝી ધરાવે છે.
લોર્ડ રૂમી વીરજી દ્વારા 1980 ના દાયકામાં પ્રથમ વખત યુકેમાં લવાયેલી ફ્રેન્ચાઇઝી ડોમિનોઝ પિઝાને યુકેમાં વિકસાવનાર મૂનપાલ સિંહ ગ્રેવાલે £240 મિલિયનની સંપત્તિ સાથે 62માં ક્રમે છે.
મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સના ડૉ. નિકેશ અને મોની કોટેચા (રેન્ક 47, £340 મિલિયનની સંપત્તિ) અને મોર્નિંગસાઇડ હોલ્ડિંગ્સના તેમના બ્રધર ઇન લૉ દાનેશ અને સંજય ગઢિયા (70, £215 મિલિયન)એ તેમની કંપની ઑક્ટોબરમાં એસ્પાયર ફાર્માને વેચી હતી.
યાદીમાં પ્રવેશનાર મોટાભાગના લોકોએ તેમની સંપત્તિમાં વધારો કર્યો હતો અથવા જાળવી રાખી હતી.
નિખાલસ ટિપ્પણી કરતા અપૂર્વ બાગરી, (રેન્ક 29; £500 મિલિયન)એ એશિયન રિચ લિસ્ટને જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક મહિનાઓમાં યુકેની વિશ્વસનીયતામાં ઘટાડો થયો છે. રાજકીય સ્થિરતાના સ્થળ તરીકે જોવામાં આવતું બ્રિટન હવે હાસ્યનું પાત્ર બની ગયું નથી. બાલીમાં G20 સમિટ વખતે સુનકે સ્વીકાર્યું હતું કે યુકેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે.
- એશિયન રિચ લિસ્ટની કોપી ખરીદવા માટે સંપર્ક: [email protected] અથવા ફોન 020 7654 7737.