સરવર આલમ દ્વારા
થિંક-ટેન્ક, બ્રિટિશ ફ્યુચરે કરેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે બ્રિટનના 10માંથી આઠ લોકોનું કહેવું છે કે કોઇ સાઉથ એશિયન, બિન-શ્વેત રાજકીય નેતા વડા પ્રધાન બને તો લોકોને તેની સામે કોઇ વાંધો નથી. ત્રીજા ભાગની બ્રિટિશ જનતા એશિયન બ્રિટિશર વડા પ્રધાન બને તેને દેશ માટે સારી બાબત તરીકે જોઇ રહી છે.
બ્રિટિશ ફ્યુચરના ડાયરેક્ટર સુંદર કટવાલાએ આ સપ્તાહના ઈસ્ટર્ન આઈમાં લખ્યું હતું કે “2032 પહેલા કોઈ એશિયન કે અશ્વેત વડાપ્રધાન હશે કે કેમ તે અંગે કોઈ અનુમાન કરી શકતું નથી. પરંતુ 84 ટકા જનતાને એવું થાય તો વાંધો નથી અને દસમાંથી માત્ર એક જ વિરોધ કરે છે. રાજકીય પક્ષોમાં ટોચ પર વંશીય વિવિધતા સામાન્ય બની ગઈ છે.
વડા પ્રધાન બોરિસ જૉન્સન પહેલેથી જ બ્રિટિશ રાજકારણના ઇતિહાસમાં વંશીય રીતે સૌથી વધુ વૈવિધ્યસભર કેબિનેટ હોવાનો દાવો કરે છે. તેમાં ઋષિ સુનક અને પ્રીતિ પટેલ, અનુક્રમે ચાન્સેલર અને હોમ સેક્રેટરી તરીકે ટોચના ચાર સરકારી હોદ્દાઓમાંથી બે ધરાવે છે.
પાર્ટી ગેટ સ્કેન્ડલ, પત્નીના ટેક્સ સ્ટેટસ અને અમેરિકન ગ્રીન કાર્ડ અંગેના વિવાદ સુધી, સુનક ભાવિ પીએમ તરીકે ગણાતા હતા. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ પણ નેતૃત્વના દાવેદાર ગણાય છે. જાવિદ અગાઉ ટ્રેઝરી અને હોમ ઑફિસ સહિત અનેક સરકારી વિભાગો સંભાળી ચૂક્યા છે.
વુલ્વરહેમ્પટન સાઉથ-વેસ્ટના ભૂતપૂર્વ સાંસદ પોલ ઉપ્પલે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે, “મને લાગે છે કે એશિયન બ્રિટિશર નેતાના વડાપ્રધાનપદ માટે દેશ તૈયાર છે. એ ત્રણેય ખૂબ જ સક્ષમ છે. તેમની પ્રસ્તુતિ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ તેમની એશિયન પૃષ્ઠભૂમિ અને વારસો લાવે છે, જે તેમને વધુ સારા રાજકારણીઓ બનાવે છે. બ્રિટિશ જનતા કદાચ વિશ્વના અન્ય દેશો કરતાં આ વિચાર વધુ સારી રીતે આવકારશે. આખા દેશ માટે એશિયન વડા પ્રધાનનો વિચાર તદ્દન સ્વીકાર્ય હશે. વંશીય વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સરકારના પગલાને આર્થિક અને સાંસ્કૃતિક શક્તિ ધરાવતી સંસ્થાઓએ મદદ કરવાની જરૂર છે. એશિયન સમુદાયનું અમુક ક્ષેત્રોમાં ઓછું તો અન્ય ક્ષેત્રોમાં વધુ પડતું પ્રતિનિધિત્વ છે.’’
વિવિધતા અને ઇન્ક્લુઝન ટ્રેઇનીંગ પ્રોવાઇડર પર્લ કંડોલાના સર્વેક્ષણમાં 42 ટકા એશિયનો અને 60 ટકા અશ્વેત લોકોએ જણાવ્યું હતું કે તેઓને કામના સ્થળે રેસિઝમનો અનુભવ થયો હતો.બિન્ના કંડોલાએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “મને લાગે છે કે ઘણી બધી સંસ્થાઓમાં ઘણા બધા લોકો વિચારે છે કે જાતિ કોઈ સમસ્યા નથી, પણ તે હજી પણ અસ્તિત્વમાં છે. સંસ્થાઓએ એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે કે આ બાબતો અંગે બોલવા માટે પોતાને સુરક્ષિત અનુભવે. જો તેમ ન હોય તો તમે એવું વાતાવરણ બનાવ્યું નથી.’’
બ્રિટિશ ફ્યુચરના સર્વેમાં ત્રીજા ભાગના લોકો માને છે કે આ દાયકામાં જાતિ બાબતે સુધારો થશે, જ્યારે વંશીય લઘુમતીના ચોથા ભાગના અને શ્વેત લોકો પૈકી પાંચમા ભાગના લોકોને ડર છે કે બાબતો વધુ ખરાબ થશે. કંડોલા કહે છે કે ‘’વંશીય લઘુમતી સ્નાતકો યુનિવર્સિટી છોડે ત્યારથી જ સંસ્થાઓમાં નેતૃત્વની ભૂમિકાઓ હાંસલ કરવા માટે ભારે લડાઈનો સામનો કરવો પડે છે. સ્નાતક થયાના છ મહિના પછી, લઘુમતી સ્નાતકો માટે રોજગારમાં આવવાની શક્યતા ઓછી છે. સ્નાતક થયાના ત્રણ વર્ષ પછી, શ્વેત અને તેમના લઘુમતી સાથીદારો વચ્ચે પગારનો તફાવત દેખાવાનું શરૂ થાય છે.’’
કંડોલા તેમના માઇનોરિટી એથનિક ટેલેન્ટ એસોસિએશન પ્રોગ્રામ પર સિવિલ સર્વિસ સાથે કામ કરી રહી છે જે વંશીય લઘુમતી સમુદાયોના સંભવિત વરિષ્ઠ નેતાઓને તાલીમ આપે છે અને વિકાસ કરે છે. તેમાં જાણવા મળ્યું કે 60 થી 70 ટકા લોકો હવે પ્રમોશન માટે તૈયાર છે.
KPMGના 150 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે, બીના મહેતા, ‘સાંસ્કૃતિક પૂર્વગ્રહો’ને તોડવા અને તેમના જેવા વધુ લોકોને સંસ્થાઓમાં ટોચ પર પહોંચતા જોવા માટે સંકલ્પબદ્ધ છે.GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં તેમણે કહ્યું હતું કે “હું ખરેખર વિશેષાધિકૃત સ્થિતિમાં અનુભવું છું. કેમ કે જ્યારે તમે આ ભૂમિકાઓમાં હો, ત્યારે તમે ખરેખર ફરક લાવી શકો છો. મને અમારી ફર્મનું નેતૃત્વ કરવા બદલ ખૂબ ગર્વ છે અને મને લિંગ, વંશીયતા અને સામાજિક ગતિશીલતાના સંદર્ભમાં ખૂબ જ વૈવિધ્યસભર બોર્ડ મળ્યું છે – તે મારા માટે રોલ-મોડેલિંગ છે જે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. પરંતુ તે અમારી સંસ્થા દ્વારા પ્રતિબિંબિત થતું નથી. સંસ્થાએ અવર KPMG: અ ફેરર ફ્યુચર ફોર ઓલ દ્વારા 2030 માટે વિવિધતા અને સમાવેશના લક્ષ્યાંકો નક્કી કર્યા છે, જેમાં ઓછામાં ઓછી 40 ટકા મહિલાઓ, 20 ટકા વંશીય લઘુમતીઓનો અને નીચલી સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંથી 29 ટકા લોકોનો સમાવેશ કરતી નેતૃત્વ ટીમનો સમાવેશ થાય છે. 30 વર્ષ પહેલાં જોડાઇ ત્યારે સ્નાતકોની સંખ્યાનો પુરૂષ-સ્ત્રીનો ગુણોત્તર 50/50 હતો, જે હવે લગભગ સમાન છે. તે સમયે માત્ર બે-ત્રણ મહિલા ભાગીદારો હતા. હવે અમારા ચારમાંથી એક ભાગીદાર સ્ત્રી છે. આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે, પરંતુ પ્રગતિ છે.”
તેણીએ કહ્યું હતું કે“સમાજમાં ઘણા બધા પૂર્વગ્રહો છે. હું 1993માં KPMGના સેટઅપ માટે ભારત ગઇ ત્યારે મારા મેનેજરે વિચાર્યું હતું કે એક અપરિણીત એશિયન મહિલા તરીકે, મારો પરિવાર મને જવા દેશે નહીં. વ્યવસાય તરીકે સમાજમાં પરિવર્તન લાવવાની આપણી પાસે મોટી જવાબદારી છે. અમે તમામ પૃષ્ઠભૂમિમાંથી પ્રતિભાની ભરતી કરવા માંગીએ છીએ.’’
હોમ ઑફિસના આંકડા મુજબ બ્રેક્ઝિટ પછીના ઇમિગ્રેશન નિયમોના અમલીકરણથી ઇમિગ્રેશનમાં વધારાને કારણે બ્રિટનના કર્મચારીઓને વેગ મળ્યો છે. 2021માં કુલ મળીને 239,987 વર્ક-રીલેટેડ વિઝા અપાયા હતા. જે 2020 કરતા 110 ટકાનો વધારે હતા અને 2019 કરતા 2020નો આંકડો 25 ટકા વધુ હતો. ગયા વર્ષે ભારતીયોને સૌથી વધુ 70,099 વર્ક વિઝા અને 98,747 સ્ટુડન્ટ વિઝા અપાયા હતા. 2016ના EU રેફરન્ડમ દરમિયાન બ્રેક્ઝિટ ઝુંબેશમાં ઇમિગ્રેશને કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.
બ્રિટિશ ફ્યુચરના સર્વે મુજબ 53 ટકા લોકો હવે ઇમિગ્રેશનની અસરને હકારાત્મક અને ત્રીજા ભાગના લોકો તેને નકારાત્મક માને છે. 2012માં માઇગ્રન્ટ બ્રિટિશ કામદારો પાસેથી નોકરીઓ લે છે તેવી ચિંતા વ્યાપક હતી. એક દાયકા પહેલા 66 ટકાની સરખામણીમાં આજે માત્ર 33 ટકા લોકો માઇગ્રેશનની નોકરીઓ પર નકારાત્મક અસર થઇ હોવાનું માને છે.
રોગચાળા દરમિયાન માઇગ્રન્ટ હેલ્થ કેર વર્કર્સે કરેલી સેવાઓથી વલણમાં સૌથી મોટો ફેરફાર થયો છે.
BMA કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપૌલે કહ્યું હતું કે “કોવિડ-19 રોગચાળાએ આપણને શીખવ્યું છે કે NHS અને તેનું કાર્યબળ કેટલું મહત્વપૂર્ણ છે. NHS વર્કફોર્સમાં આંતરરાષ્ટ્રીય ડોકટરો લગભગ 29 ટકા છે. પરંતુ EU દેશોની તુલનામાં ઇંગ્લેન્ડમાં લગભગ 50,000 ડોકટરો ઓછા છે. મારી સરકારને વિનંતી છે કે તેઓ યુકેમાં વિદેશી ડોકટરોના મહત્વને ઓળખી તેમને અને તેમના પરિવારોને ઇનડેફિનેટ લિવ ટૂ રીમેન વિઝા આપે. જો સરકાર અનુભવી આંતરરાષ્ટ્રીય ડોકટરોને લાભ નહિં આપે તો NHSમાં વર્તમાન કર્મચારીઓ પરના દબાણ અને બેકલોગની હાલત ખરાબ થશે. તેમના પર ઇમિગ્રેશન પ્રક્રિયાનો નાણાકીય અને માનસિક બોજ સતત અને વિશાળ છે.’’
2012માં, માત્ર 24 ટકાને લાગ્યું કે બ્રિટનની આર્થિક રીકવરી માટે ઇમિગ્રન્ટ્સની કુશળતા અને શ્રમ જરૂરી છે. આજે 53 ટકા લોકો ઇમિગ્રેશનના ફાયદાઓને સ્વીકારે છે.ગયા મહિને વડા પ્રધાન જોન્સનની સાથે ભારત યાત્રા કરનાર લોર્ડ કરણ બિલિમોરિયા કહે છે કે ‘’યુકે અને ભારત વચ્ચેના કોઈપણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇમિગ્રેશનનું મુખ્ય પરિબળ હશે. યુકે પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ હવે ભારતીય કામદારો માટે અગાઉના વિઝા રૂટ કરતાં વધુ ખુલ્લી છે અને હાંસલ કરવા માટે ઘણું બધું છે. બિઝનેસીસ હવે ભારત સરકારને બિઝનેસ વિઝિટર પિરિયડને 90 થી 180 દિવસ સુધી લંબાવવા કહે છે. યુકે અને ભારતને યુકેમાં રહેતા ભારતીય મૂળના 1.5 મિલિયન લોકોના લિવીંગ બ્રિજનો મોટો ફાયદો છે, જે તેની સૌથી સફળ વંશીય લઘુમતી છે.”