- ચંદ્રશેખર ભાટ અને સરવર આલમ દ્વારા
ધનાઢ્ય બ્રિટિશ એશિયનોએ કન્ઝર્વેટિવ પાર્ટીમાં દાન આપવાનું ચાલુ રાખ્યું છે. જેમાં લંડન સ્થિત એજ્યુકેશનલ ગૃપ રીજન્ટ ગ્રૂપના CEO ડૉ. સેલ્વા પંકજે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં £78,250નું સૌથી વધુ દાન કર્યું હોવાનું બહાર આવ્યું છે. સેન્ટ્રલ લંડનમાં રીજન્ટ કોલેજ સહિત સમગ્ર રાજધાનીમાં સંખ્યાબંધ સંસ્થાઓ ધરાવતા શ્રીલંકામાં જન્મેલા ભૂતપૂર્વ એકાઉન્ટન્ટે ટોરી પાર્ટીને કુલ £354,000નું દાન આપ્યું હતું.
તેમની કંપનીની સફળતા પર, પંકજે અગાઉ કહ્યું હતું કે “અમે શું કરી રહ્યા છીએ અને અમે ક્યાં જઈ રહ્યા છીએ તે અંગે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ અને જ્યાં સુધી તમે દરેક દિવસ સફળ થવા મથો છો ત્યારે આખરે તમે સફળ થશો.”
લાંબા સમયથી ટોરી સમર્થક અને કન્ઝર્વેટિવ્સ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેર, લોર્ડ રામી રેન્જરે જાન્યુઆરીથી માર્ચ સુધી ત્રણ અલગ-અલગ રીતે દાન પેટે £30,500 આપ્યા હતા. તેમણે વર્ષોથી પાર્ટીને £1 મિલિયનથી વધુનું દાન આપ્યું છે.
તાજેતરમાં લોર્ડ રેન્જરે બોરિસ જોન્સનને સમર્થન આપતાં કહ્યું હતું કે જો સંઘર્ષગ્રસ્ત વડા પ્રધાનને દૂર કરાય તો બ્રિટિશ જનતાએ રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે એશિયન સાંસદ તરફ જોવું જોઈએ. આ તક એશિયન ઉમેદવાર કાં તો ઋષિ (સુનક) અથવા સાજીદ (જાવિદ)ને મળવી જોઈએ. કારણ કે હવે સમય આવી ગયો છે કે આપણે ઈમિગ્રન્ટ્સની નવી પેઢીને દેશ ચલાવવાની તક આપીએ. પોતાને સાબિત કરવાના હોવાથી તેઓ ખૂબ જ સખત મહેનત કરશે.”
વર્તમાન ટોરી પાર્ટી ટ્રેઝરર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર મલિક કરીમે £31,500નું દાન આપ્યું છે. 2014 અને 2021 વચ્ચે તેમણે કન્ઝર્વેટિવ્સને £872,000 આપ્યા હતા. કરીમ દ્વારા આયોજિત તાજેતરના કન્ઝર્વેટિવ ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં ચાન્સેલર ઋષિ સુનક ગેસ્ટ ઓફ ઓનર હતા, જેમાં £10,000 સુધીના ટેબલો જોવા મળ્યા હતા.
કન્ઝર્વેટિવ્સને અન્ય નોંધપાત્ર દાન આપનારાઓમાં રેગેટા લિમિટેડના ઉદ્યોગપતિ માજિદ ખાન અને FT એસ્ટેટ્સ લિમિટેડના મુહમ્મદ ફાઝાન તાહિર અને કર્નલ ગ્લોબલના ગ્રુપ સીઈઓ લોગન નાયડુ છે જેમણે દરેકે £25,000નું દાન આપ્યું હતું.
બીજી તરફ ટોરીને મેળેલા £4.6 મિલિયનના દાનથી આગળ વધીને લેબર પાર્ટીએ લગભગ £5.3 મિલિયનનું દાન એકત્ર કર્યું હતું. તેનો શ્રેય લોર્ડ કેશપોઈન્ટનું હુલામણું નામ ધરાવતા લોર્ડ લેવીને અપાય છે, જેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરના ચિફ ફંડ રેઇઝર હતા. લોર્ડ લેવીએ 1994 અને 2007 વચ્ચે પાર્ટી માટે £100 મિલિયન કરતાં વધુ એકત્ર કરવામાં મદદ કરી હતી.
£200 મિલિયનની સંપત્તિ ધરાવતા મીડિયા ઉદ્યોગસાહસિક લોર્ડ વાહીદ અલીએ £12,500નું દાન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી લેબર ટેકેદાર છે. તેમણે સર કેર સ્ટાર્મરને નેતા બનાવવા £100,000 આપ્યા હતા.
લિબરલ ડેમોક્રેટ્સ MEP અને ઓનલાઈન ટ્રાવેલ એજન્સી ઈબુકર્સના સ્થાપક દિનેશ ધમીજાએ લિબ ડેમ્સને £5,000નું દાન આપ્યું હતું.