- પૂજા શ્રીવાસ્તવ દ્વારા
યુગન્ડાના સરમુખત્યાર ઇદી અમીને એશિયન્સને દેશમાંથી હાંકી કાઢ્યા પછી બ્રિટન પહોંચેલા એશિયન શરણાર્થી મુકુંદ નાથવાણીએ યુકેએ તેમને અને તેમના પરિવારને કેવી રીતે નવી જીંદગી આપી હતી તેમ જણાવી યુકેનો આભાર માન્યો છે.
23 વર્ષની ઉંમરે 1972માં યુગાન્ડાથી ઇંગ્લેન્ડ આવેલા અને હવે બર્મિંગહામમાં રહેતા 72 વર્ષીય મુકુંદ નથવાણીએ ગરવી ગુજરાતને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે“અમે અહીં આવ્યા ત્યારે ભાવનાત્મક રૂપે ખૂબ પરેશાન હતા. અમારો જીવ બચાવવા યુગાન્ડા છોડવું પડ્યું હતું. સદભાગ્યે, આ દેશના લોકો ખૂબ જ દયાળુ હતા અને બ્રિટિશ સરકારે અમને રોજગાર શોધવામાં મદદ કરી હતી અને આખરે અમે સ્થાયી થયા હતા.’’
1951ના યુએન રેફ્યુજી કન્વેશન પરની મૂળ સહીના આઇકોનિક ફોટોગ્રાફને ફરીથી બનાવવા માટે ભેગા થયેલા લોકોના તા. 26ના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી નથવાણીએ ભાગ લીધો હતો. જેની તા. 28ના રોજ સિત્તેરમી વર્ષગાંઠની ઉજવણી કરાઇ રહી છે.
તેમના દાદા દાદી ભારત છોડીને યુગાન્ડા ગયા હતા અને ચાર ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવાર સાથે યુકે આવેલા શ્રી નથવાણી પાસે કોઈ આર્થિક સહાય કે મૂડી ન હતી. યુકે આવ્યા પછી તેમને શરણાર્થી શિબિરમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમને શાકાહારી ભોજન, મૈત્રીપૂર્ણ સ્વાગત અને આદર મળ્યો હતો.
નિવૃત્ત થયા પહેલા શ્રેણીબદ્ધ સફળ દુકાનો અને હોલસેલ બિઝનેસીસ ચલાવનાર મુકુંદભાઇએ જણાવ્યું હતું કે“અમારી પાસે એક પેની નહોતી. અમારે ધંધા વેપાર માટે પ્રથમ 10 વર્ષ આકરી મહેનત કરવી પડી હતી. અમને સરકારી મદદની જરૂર નહતી. અમે મહેનતુ લોકો છીએ અને અમને એક તક અને સલામત સ્થળની જરૂર હતી જે અમને યુકેમાં મળી હતી. અમને ભારતીય પાસપોર્ટ હોવા છતાં ભારત સરકારે નહોતી કરી તેટલી મદદ અમને આ દેશમાં મળી છે. પણ હાલમાં કેટલાક લોકો શરણાર્થીઓ બની ઇંગ્લેન્ડનો “અયોગ્ય લાભ” લેવાનું વલણ ધરાવે છે. તેથી ખરા અર્થમાં જેમને આશ્રયની જરૂર છે તેમને તક મળતી નથી. આથી ફિલ્ટરિંગ સિસ્ટમ આવવી જોઈએ.’’
પોતાને ગૌરવપૂર્ણ બ્રિટિશ ભારતીય તરીકે ઓળખાવતા નથવાણી હજી ભારત સાથે જોડાયેલા છે અને દેશની મુલાકાત લઇ ગુજરાતમાં પરિવાર સાથે સમય વિતાવે છે. તેમણે લગભગ 2,000 ફોટો સાથેના એક પુસ્તકમાં પોતાની યાદો લખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુકેમાં નેશનાલીટી એન્ડ બોર્ડર્સ બિલ સંસદમાંથી પસાર થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે પહેલીવાર ચર્ચા થઈ હતી. જો તે પસાર થશે તો હાલમાં શરણાર્થી તરીકે સ્વીકારાયેલા લોકોને તેમના આગમનની પદ્ધતિને કારણે યુકેમાં સલામતી અપાશે નહીં. કેટલાકને ગુનાહિત ગણી ચાર વર્ષ સુધી જેલ થશે.
ટુગેધર વિથ રેફ્યુજી સંસ્થા યુકેની શરણાર્થી પ્રણાલી પ્રત્યે એક ન્યાયી અને માનવીય અભિગમ માટે હાકલ કરે છે અને લોકોને રક્ષણ માટેના દાવા માટે યોગ્ય અને કાર્યક્ષમ સુનાવણી કરવાની મંજૂરી આપે છે.